“દેશી ગાયના ઝરણની પહેલી ડેરી રાધનપુરમાં શરૂ કરી છે” – વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

રાધનપુર ખાતે શ્રી દુધરેજ વડવાળા સંસ્કારધામ ટ્રસ્ટ સંચાલિત રબારી સમાજ શૈક્ષણિક સંકુલમાં આજે ભવ્ય સમાજ અર્પણ સમારોહ યોજાયો હતો. વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી તથા મહંતશ્રી કનીરામ દાસજી મહારાજની આગેવાનીમાં રબારી સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણક્ષેત્રની પ્રગતિ અને સંસ્કાર સંવર્ધન જેવા હેતુઓને ધ્યાનમાં રાખીને આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત મહંતશ્રી કનિરામ બાપુ અને વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે રબારી સમાજ શિક્ષણ સંકુલના લોકાર્પણથી કરવામાં આવી હતી. ત્યારબાદ દીપપ્રજ્વલન કરીને કાર્યક્રમને સકારાત્મક શરૂઆત આપવામાં આવી હતી.

આ પ્રસંગે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પોતાના જીવનના સંસ્મરણો વ્યક્ત કરતા જણાવ્યું કે રબારી–માલધારી સમાજે ગૌ સંવર્ધન અને પરંપરાગત મૂલ્યોનું જતન કરીને સમાજને વિશેષ ઓળખ અપાવી છે. તેમણે ગૌશાળાઓ અને દેશી ગાયના સંવર્ધન અંગે ચર્ચા કરતાં જણાવ્યું કે “ભારતવર્ષમાં દેશી ગાયના ઝરણની પહેલી ડેરી રાધનપુરમાં શરૂ કરી છે અને આ કાર્યને વધુ વિસ્તૃત કરીને આગળ લઈ જવાનું છે.”

મહંતશ્રી કનિરામ દાસજી મહારાજે જણાવ્યું કે શિક્ષણ, સંસ્કાર અને શિસ્તના આધારે સમાજના દિકરા–દિકરીઓને આગળ વધારવાનું પવિત્ર કાર્ય સંસ્થાના માધ્યમથી સતત કરવામાં આવશે. લાયબ્રેરીમાં સેવા આપતા યુવાનો તથા તેમના માતાપિતાને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સમાજના વરિષ્ઠ આગેવાનો તથા મહાનુભાવો દ્વારા યુવાનોને ઉચ્ચ શિક્ષણ, રાષ્ટ્રભાવના, નૈતિક મૂલ્યો અને સમાજ પ્રત્યેની જવાબદારીઓ સાથે જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.

આ પ્રસંગે રાજ્યસભા સાંસદશ્રી બાબુભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ, પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ, એપીએમસી ચેરમેનશ્રી ગોવાભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, રઘુભાઈ દેસાઈ સહિત સમાજના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!