16 ઓક્ટોબરના રોજ સિંહ દર્શન કરવા આવતા પ્રવાસીઓ માટે સાસણ ગીર નેચર સફારી પાર્ક ખુલ્લું મુકાયું હતું. અહીં આવતા પ્રવાસીઓ ઉત્તમ રહેવા-જમવાની સુવિધા માટે ઓનલાઈન બુકિંગનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ આ જ ઇચ્છાઓનો ગેરલાભ ઉઠાવીને રાશિદ ખાન નામના શખસે સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસની આબેહૂબ દેખાતી નકલી વેબસાઈટ બનાવી હતી. સિંહ દર્શને આવતા પ્રવાસીઓ સાથે ઓનલાઈન સિંહ સદન ગેસ્ટ હાઉસના રૂમ બુકિંગના નામે હજારો રૂપિયાની રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ મોટાપાયે છેતરપિંડી આચરી હતી. પોલીસે આરોપી રાશિદ ખાનને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, 7 નવેમ્બરના રોજ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારીએ મેંદરડા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. સિંહ સદનમાં રોકવા કોઇ ઓનલાઈન બુકિંગ સુવિધા ઉપલબ્ધ નથી
જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, સાસણમાં સફારી પાર્ક અને રેસ્ટ હાઉસ (સિંહ સદન)ની નકલી વેબસાઈટ બનાવી છેતરપિંડી કરી હોવાની મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. વન વિભાગના અધિકારીની ફરિયાદ નોંધાવ્યા મુજબ જે પ્રવાસીઓએ જંગલ સફારી કરવા સિંહ સદનમાં રોકાવા માટેની ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય અને તે રિસીપ્ટ વન વિભાગને બતાવતા અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે, સિંહ સદનમાં રોકવા માટે આવી કોઇ ઓનલાઈન બુકિંગ સુવિધા ઉપલબ્ધ નથી. વન વિભાગે કોઈ વેબસાઈટને ઓનલાઈન બુકિંગના અધિકાર આપ્યો નથી
ગત તારીખ 7 નવેમ્બર 2025ના સાસણ ગેસ્ટ હાઉસ ખાતે રેન્જ ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા યશ ભરતકુમાર ઉમરાણીયાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સિંહ સદન ગેસ્ટ હાઉસમાં પ્રોટોકોલ મુજબ સરકારી મહેમાનોને વ્યવસ્થા અપાય છે. જ્યારે બિન-સરકારી પ્રવાસીઓને રિસેપ્શન પરથી કરન્ટ બુકિંગ દ્વારા રૂમ ફાળવવામાં આવે છે. સૌથી અગત્યની વાત એ છે કે, સિંહ સદન ગેસ્ટ હાઉસના રૂમ બુકિંગ માટે આજદિન સુધી કોઈ સત્તાવાર ઓનલાઈન વેબસાઈટ કાર્યરત નથી. અને ના તો વન વિભાગે કોઈ વેબસાઈટને ઓનલાઈન બુકિંગના અધિકાર આપ્યા છે. આરોપી રાશિદ ખાનને પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો
મેંદરડા પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસના અંતે સિંહ સદન અને જંગલ સફારી પાર્કની નકલી બુકિંગ વેબસાઈટ બનાવનાર મુખ્ય આરોપી રાજસ્થાનના મેવાતમાં રહેતા રાશિદ ખાન અયુબ ખાનને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ આરોપી પાસેથી બે મોબાઈલ ફોન કબજે કર્યા છે. પોલીસે આરોપીના રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી
હાલ ઝડપાયેલા આરોપીની પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે અને તેના રિમાન્ડની પણ માગણી કરવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે, આ ગુનામાં તેની મદદ અન્ય કોણે કરી છે. સિંહ સદન, જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને શ્રીરામ આશ્રમના નામની નકલી વેબસાઈટ બનાવી
આરોપી રાશિદ ખાનની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપીએ માત્ર સિંહ સદનની જ નહીં પણ જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને શ્રીરામ આશ્રમ નામની પણ અલગ અલગ વેબસાઈટ બનાવી હતી. ઠગ આરોપીએ અસલી જેવી દેખાતી બનાવટી વેબસાઈટો ઊભી કરી હતી. આ વેબસાઈટ પર સંપર્ક માટે વ્હોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ નંબર મૂકીને પોતે સરકારી સિંહ સદન ગેસ્ટ હાઉસનો કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી હતી. પ્રવાસીઓને ઓનલાઈન રૂમ બુકિંગના નામે છેતરીને હજારો રૂપિયાની રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતો હતો. NPCRP પોર્ટલ પર આરોપી વિરૂદ્ધ 20થી વધુ ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, વન વિભાગને સહકર્મચારીઓ મારફતે આ નકલી વેબસાઈટ વિશે જાણકારી મળી હતી. બાદમાં અનેક પ્રવાસીઓ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની રજૂઆતો સાથે સામે આવ્યા હતા. અત્યાર સુધીમાં NPCRP પોર્ટલ પર આરોપી વિરૂદ્ધ 20થી વધુ ફરિયાદો નોંધાઈ છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે, તેઓ સિંહ સદનના રૂમ બુકિંગ માટે કોઈપણ ઓનલાઈન વેબસાઈટનો ઉપયોગ ન કરે અને માત્ર વન વિભાગના કાઉન્ટ પરથી જ કરન્ટ બુકિંગ કરાવે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!