ભજનમંડળી દ્વારા ઉન્નત તથા આત્માને સ્પર્શી જાય એવા ભજનોની સુંદર ભજન સંધ્યા યોજાઈ,દીકરીઓને યથાશક્તિ સન્માનરૂપે થાળી, માળા તથા ગરમું જેવી ભેટો અપાઈ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે સ્વ. સાધુ ભજનદાસ લક્ષ્મણદાસની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તેમની સ્મૃતિને અવિનાશી બનાવવા અને ભક્તોમાં ભક્તિભાવ જગાવવા વિશેષ ભાવસભર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પુણ્યતિથિ પ્રસંગનું સંપૂર્ણ આયોજન સ્વ. સાધુ ભજનદાસ લક્ષ્મણદાસના મોટા ભાઈ સાધુ કાશીરામદાસ લક્ષ્મણદાસ દ્વારા કરવામાં આવ્યું હતું.
સાધુ કાશીરામદાસના નિવાસસ્થાને આયોજિત આ કાર્યક્રમમાં ભજનમંડળી દ્વારા ઉન્નત તથા આત્માને સ્પર્શી જાય એવા ભજનોની સુંદર ભજન સંધ્યા યોજાઈ હતી. સતત ચાલેલા ભજન કાર્યક્રમ દરમિયાન મા-બહેનો, ગામજનો, સગા–સબંધીઓ તથા નાની બાળાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા, જેના કારણે સમગ્ર સ્થળ ભક્તિમય વાતાવરણથી છલકાઈ રહ્યો હતો.
પુણ્યતિથિ પ્રસંગે ઉપસ્થિત તમામ મહિલાઓ અને નાની દીકરીઓને યથાશક્તિ સન્માનરૂપે થાળી, માળા તથા ગરમું જેવી ભેટોની વહેંચણી પણ કરવામાં આવી હતી. આ ભેટો સાધુ કાશીરામદાસના હસ્તેથી આપવામાં આવી હતી, જેને સૌએ ખૂબ પ્રસન્નતાથી સ્વીકારી હતી. આ સેવા પરંપરા કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની રહી હતી.
સ્વ. સાધુ ભજનદાસ લક્ષ્મણદાસના સંસ્કાર, સેવાભાવ તથા આધ્યાત્મિક જીવનને સ્મરીને સૌએ ભાવપૂર્વક તેમની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ, શાંતિ અને સમરસતાનું માહોલ અપાર રીતે અનુભવાયો હતો.
સમાપન પ્રસંગે મહાપ્રસાદ રૂપે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં કલ્યાણપુરા ગામ ઉપરાંત આસપાસના વિસ્તારોના ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ભજન–ભોજન મહોત્સવ સમાજને જોડતો, ભાવનાત્મક અને યાદગાર બન્યો હતો.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
