ઈરાનનો ડ્રગ્સ સ્મગલર હાજી ફિદાએ મોકલેલો આશરે 200 કિલોનો શંકાસ્પદ કેમિકલનો જથ્થો અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર નામના બે શખ્સ ઈરાનના કોનારક બંદરેથી બોટમાં ભરી નીકળ્યા હતા. 15-16 ફેબ્રુઆરી દરમિયાન પોરબંદરથી આશરે 140 નોટીકલ માઇલ દૂર IMBL નજીક ગુજરાત ATS-કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન કરી સ્પીડ બોટમાં લવાયેલા શંકાસ્પદ કેમિકલના જથ્થાને જપ્ત કરી લીધો હતો. બલૂચી બોલતા 2 શખ્સ ઈરાનથી સ્પીડ બોટમાં ડિલિવરી કરવા આવ્યા હતા અને પંજાબનો શખ્સ ડિલિવરી લેવાનો હતો, પરંતુ તે પહેલાં જ ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે તેમને ઝડપી લીધા હતા. બાતમી મળતાં જ ટીમ બનાવી કોસ્ટ ગાર્ડની મદદ લીધી: DIG
ગુજરાત ATSના DIG સુનીલ જોશીએ જણાવ્યું હતું કે SP કે.કે.પટેલને બાતમી મળી હતી કે સ્પીડ બોટથી ડ્રગ્સની ડિલિવરી પંજાબમાં થવાની છે. બાતમી મળતાં જ એક ટીમ બનાવી કોસ્ટ ગાર્ડની મદદ લેવાઈ હતી. ‘ઈરાનથી સ્પીડ બોટમાં 2 શખસ ડિલિવરી માટે આવ્યા’
લાંબો સમય રાહ જોયા બાદ સ્પીડ બોટમાં 2 શખસ આવ્યા હતા. ઈરાનથી સ્પીડ બોટમાં આવ્યા હતા. સ્પીડ બોટમાં ક્યારેય ડિલિવરી માટે આવતા નથી. તપાસતાં 203 પેકેટ બોરમાંથી મળ્યાં હતાં. ‘આરોપી બલૂચી ભાષા બોલે છે’
કયુ ડ્રગ્સ છે એ ડિટેક્ટ થયું નથી. આરોપી પાસેથી મળેલા ફોનમાંથી ડેટાની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી બલૂચી ભાષા બોલે છે. સ્પીડ બોટમાં આવવું ડેરિંગ કહેવાય. પંજાબનો શખસ ડિલિવરી લેવાનો હતો. ‘બોટમાં 3-4 દિવસ ચાલે એટલો સામાન હતો’
140 માઇલ દૂર દરિયામાં ઓપરેશન કર્યું હતું. બોટની બનાવટ ઈરાનની છે. બોટમાં એક્સ્ટ્રા ડીઝલ પણ હતું, ખાવાની વસ્તુઓ પણ હતી. 3-4 દિવસ ચાલે એટલો સામાન હતો. ‘મોટી બોટ પકડાય એટલે નાની બોટમાં આવ્યા હતા’
પોરબંદરમાં અગાઉ 2 વખત સ્પીડ બોટ આવી હતી, જેમાં 6 શખસ હતા. ઈરાનથી એક શખસ ગેરકાયદે રીતે આવ્યો હતો. મોટી બોટ પકડાઈ જાય એટલે નાની બોટમાં આવ્યા હતા. ગુજરાતના દરિયામાં ડ્રગ્સની ભરતી
ગુજરાતનો દરિયાકિનારો 1600 કિલોમીટર જેટલો લાંબો છે. આ દરિયાકાંઠે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની ભરતી વધી ગઇ છે. ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકિનારો સિલ્કરૂટ બની ગયો છે, પણ આ દરિયાનો ઉપયોગ વધી ગયો ઓના તાર સીધા શ્રીલંકા અને અફઘાનિસ્તાન સાથે જોડાયેલા છે. ગુજરાતનો દરિયો ડ્રગ્સની તસ્કરીનો સિલ્કરૂટ કેવી રીતે બન્યો?
2019માં શ્રીલંકામાં ડ્રગ્સ ગુનામાં ચાર આરોપીને ફાંસીની સજા આપવામાં આવી. શ્રીલંકામાં 43 વર્ષ બાદ ડ્રગ્સના તસ્કરોને ફાંસી મળતાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ હચમચી ગઈ અને તેણે અલગ રૂટ તરફ નજર દોડાવી. આમાં તેની નજર ગુજરાત પર પડી અને ત્યારથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવતાં ડ્રગ્સના મધ્ય, ઉત્તર તથા પૂર્વ એશિયાના દેશોમાં જમીનમાર્ગે હેરફેર માટે ગુજરાત એપી સેન્ટર બની ગયું. શ્રીલંકામાં સત્તાપરિવર્તન થયું ને ગુજરાત ડ્રગ્સનું એપી સેન્ટર બન્યું
ગુજરાતના 1600 કિ.મી. લાંબા દરિયાકાંઠાનો ઉપયોગ ડ્રગ્સ ઘુસાડવા કરાઈ રહ્યો છે, એમાં વિદેશનો ઘટનાક્રમ મોટા ભાગે જવાબદાર છે. ગુજરાતમાં આવતું ડ્રગ્સ પહેલાં દરિયાઈ માર્ગે શ્રીલંકા થઈને ઓસ્ટ્રેલિયા તેમજ યુરોપ સુધી જતું હતું, પરંતુ 2019માં શ્રીલંકામાં સરકાર બદલાઈ અને મૈત્રીપાલ સિરિસેના રાષ્ટ્રપ્રમુખ બન્યા. તેમણે ડ્રગ્સના દૂષણને ડામવા ત્યાંની નેવીને દરિયામાં આવતાં ડ્રગ્સ પર નજર રાખવા છૂટોદોર આપ્યો. એટલું જ નહીં, 26 જૂન, 2019ના રોજ સિરિસેનાએ ડ્રગ્સ કેસમાં ચાર તસ્કરોને ફાંસીની સજા પર હસ્તાક્ષર કર્યા. શ્રીલંકાના ઇતિહાસમાં 43 વર્ષ બાદ કોઈ આરોપીને અપાયેલી ફાંસીની સજા હતી. ત્યારથી ડ્રગ્સમાફિયા સેફ ડિલિવરી ઝોન શોધતા હતા, તેમાં તેમની નજર ગુજરાતના 1600 કિમી લાંબો દરિયાકિનારા પર પડી. ગુજરાતમાં ડ્રગ્સ આવે પછી શું થાય, આગળ કેવી રીતે જાય?
ગુજરાત ડ્રગ્સનું બફર સ્ટેટ બન્યું છે, એટલે અન્ય દેશોમાંથી ગુજરાતના દરિયાકિનારે ડ્રગ્સ ઊતરે. પછી અહીંથી ડ્રગ્સના મોટા કન્સાઈન્મેન્ટને એક કિલો કે નાનાં પેકેટમાં ભાગ પાડીને (એમની ભાષામાં કટિંગ કરીને) બીજી બોટમાં સહેલાઈથી ઈન્ટરનેશનલ સી બોર્ડર પાર કરી એને બર્મા, લાઓસ, ઉઝબેકિસ્તાન તેમજ યુરોપ અને ઓસ્ટ્રેલિયા સુધી આગળ મોકલાય છે. હા, થોડું ડ્રગ્સ ગુજરાતમાંથી ટેમ્પો મારફત બીજાં રાજ્યોમાં પણ જાય છે. સૌથી વધારે અફીણ ઉત્પાદન કરતો દેશ અફઘાનિસ્તાન
ગુજરાતના દરિયાકિનારેથી જે ડ્રગ્સનો જથ્થો પકડાય છે એનાં મૂળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે ઈરાન સાથે હોવાનો દાવો સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવ્યો છે. એક વર્ષ પહેલાં ડીઆરઆઈની તપાસમાં અફઘાન નાગરિકોનાં નામ બહાર આવ્યાં હતાં. યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ ઍન્ડ ક્રાઇમના રિપોર્ટ પ્રમાણે, વિશ્વમાં અફીણના કુલ ઉત્પાદનમાંથી 80 ટકા ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે. આ અફીણ પર અલગ અલગ પ્રોસેસ કરીને હેરોઈન, મેથામ્ફેટામાઈન (એમ.ડી.) ડ્રગ્સ, એફેડ્રિન ડ્રગ્સ, બ્રાઉનશુગર જેવા નશાકારક પદાર્થ બનાવી શકાય છે. એક સમયે સોનું, ઈલેક્ટ્રિક સાધનોની દાણચોરી થતી, ખેપ ગુજરાતમાં ઊતરતી હતી
અગાઉ ગુજરાતના સલાયા, ઓખા અને માંડવી જેવાં સૌરાષ્ટ્રનાં બંદરો ઉપર સોનું, ઘડિયાળો કે ઇલેક્ટ્રોનિક સામાન દાણચોરીથી લાવવામાં આવતો હતો, જે માટે ‘ઢો’ તરીકે ઓળખાતા નાનાં દેશી જહાજનો ઉપયોગ હતો. 1993માં પોરબંદરના ગોસાબારા બંદર ખાતે આરડીએક્સ તથા હથિયારોની ખેપ ઊતરી હતી, જેનો ઉપયોગ મુંબઈના બોમ્બવિસ્ફોટો કરવા માટે થયો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતનો ઉપયોગ ટ્રાન્ઝિટ રૂટ તરીકે કરવામાં આવે છે. નેવી, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ માટે પડકાર શું છે?
ગુજરાત 1600 કિલોમીટર જેટલો દરિયાકિનારો ધરાવે છે, જે દેશમાં સૌથી લાંબો છે. લગભગ 30 હજાર કરતાં વધુ બોટ તથા નાનાં જહાજો ગુજરાતમાં નોંધાયેલાં છે, આથી ખુલ્લા દરિયામાં આંતરરાષ્ટ્રીય જળસીમામાં તેમની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવી મુશ્કેલ બની રહે છે. સુરક્ષા એજન્સીઓ નેવી, કોસ્ટગાર્ડ વગેરે મળીને માછીમારી સમુદાયમાં બાતમીદારોના નેટવર્ક, દરિયામાં સામાન્ય રીતે વપરાશમાં લેવામાં આવતી રેડિયો ફ્રિક્વન્સી પર નજર રાખે છે અને કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓની બાતમીના આધારે ભારત તરફ આવતો જથ્થો આંતરવાના પ્રયાસો કરે છે. તેમ છતાં આટલા અફાટ સમુદ્રમાં ખૂણે ખૂણે વોચ રાખવી મુશ્કિલ હી નહીં, નામુમકીન હૈ. ગુજરાતમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ પકડાઈ ચૂકી છે
2020માં જંબુસરના સિગામમાં ફેક્ટરીમાં એફેડ્રિન ડ્રગ્સ બનતું હતું. આ જ વર્ષમાં સુરતના કડોદરામાં મ્યાઉં-મ્યાઉં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ હતી. 2021માં વલસાડના ડુંગરી ગામે એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી જ પકડાઈ હતી. રાજ્યમાં એમડી ડ્રગ્સ બનાવતી આ પહેલી ફેક્ટરી હતી. 2022માં ભરૂચના ઈતિહાસની સૌથી મોટી રેડ પડી હતી. મુંબઈની એજન્સીએ પાનોલી જીઆઈડીસીની એક કંપનીમાં ત્રણ દિવસમાં જ બે દરોડા પાડીને ડ્રગ પાઉડર, લિક્વિડનો જથ્થો પકડી પાડ્યો હતો. આ કંપનીની ફેક્ટરીમાં ડ્રગ બનતું હતું. એ સમયે પકડાયેલા ડ્રગ્સની કિંમત 1383 કરોડ રૂપિયા થાય. એ જ વર્ષમાં સાવલીના મોક્સીમાં કેમિકલ ફેક્ટરીની આડમાં ડ્રગ્સ બનતું હતું. અહીંથી મુંબઈ અને ગોવા મોકલાતું હતું. એટીએસે 1000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. મેથામેફ્ટામાઈન ડ્રગ્સ શું છે?
સૌથી વધારે જો હેરાફેરી થતી હોય તો એ એમડી ડ્રગ્સની થાય છે. એમડી ડ્રગ્સના ટૂંકા નામથી ઓળખાય છે તે મેથામ્ફેટામાઈન ડ્રગ્સ શક્તિશાળી વ્યસનકારક દવા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડ્રગ એબ્યુઝના રિપોર્ટ મુજબ આ ડ્રગ્સ આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે. મેથામ્ફેટામાઈન કાચના ટુકડા જેટલું ચમકદાર લાગે છે. તે રાસાયણિક રીતે એમ્ફેટામાઇન જેવું જ છે, જેનો ઉપયોગ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર (ADHD), નાર્કોલેપ્સી અને ઊંઘની સારવાર માટે થાય છે. જો કે લોકો તેનો ખોટો ઉપયોગ પણ કરી રહ્યા છે, જે ખતરનાક બની શકે છે. ડ્રગ્સ મગજને કેવી રીતે અસર કરે છે?
મેથામ્ફેટામાઈન દવાની સીધી અસર મગજ પર થાય છે. શરીરની અંદર પહોંચીને તે મગજમાં કુદરતી કેમિકલ ડોપામાઇનની માત્રામાં વધારો કરે છે. જ્યારે ડોપામાઇન મુક્ત થાય છે ત્યારે વ્યક્તિ ખુશ થાય છે. જ્યારે ડોપામાઇન મુક્ત થાય છે, ત્યારે એનર્જી લેવલ વધે છે અને લોકો સારું અનુભવવા લાગે છે. સામાન્ય રીતે તે આપણા શરીરમાં કુદરતી રીતે મુક્ત થાય છે, પરંતુ આ દવા તેની માત્રામાં વધારો કરે છે. એકવાર આ દવા લેતા લોકો જલદી જ તેના વ્યસનનો શિકાર બની જાય છે. આવું વારંવાર કરવું મગજ માટે ખૂબ જ જોખમી છે. ઘણા લોકો તેનો ઓવરડોઝ પણ લે છે, જે મૃત્યુનું કારણ બની જાય છે. તેની કોકેઈન જેવી અસર હોય છે. તેને લીધા પછી લોકોની શારીરિક પ્રવૃત્તિ વધે છે. ભૂખ ઓછી થવા લાગે છે અને શ્વાસની ગતિ વધે છે. આ દવા હૃદયના ધબકારા ઝડપી બનાવે છે અને બ્લડ પ્રેશર વધે છે. આ સાથે શરીરનું તાપમાન પણ વધે છે અને લોકોના વર્તનમાં અચાનક ફેરફાર જોવા મળે છે. લોકો મેથામફેટામાઈનને સિગારેટની જેમ સળગાવીને, દવા તરીકે ગળીને, નાક દ્વારા શ્વાસમાં લઈને, ઈન્જેક્શન લગાવીને અથવા પાણીમાં ભેળવીને લે છે. વર્ષ 2020થી 2025 દરમિયાન ગુજરાતમાંથી કુલ 1.30 લાખ કિલોથી વધુ નશીલા પદાર્થો પકડાયા છે. ગાંજો: 71,487 કિલો
અફીણ: 56,477 કિલો
સિન્થેટિક ડ્રગ્સ: 2,047 કિલો
કોકેઇન: 204 કિલો બંદરો બન્યા ‘હોટ ફેવરિટ’
કંડલા, મુન્દ્રા, પીપાવાવ, ગાંધીધામ અને પોરબંદર જેવા વ્યૂહાત્મક બંદરો ડ્રગ્સ માફિયાઓ માટે મુખ્ય કેન્દ્ર બન્યા છે. ઇરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવતા ઉચ્ચ ગુણવત્તાના ડ્રગ્સને કરાચી વાયા ગુજરાતના દરિયાઈ માર્ગે ઘુસાડવામાં આવે છે. અહીંથી આ ડ્રગ્સને દેશના અન્ય ભાગોમાં અથવા આંતરરાષ્ટ્રીય બજારમાં મોકલવા માટે ખાનગી સ્થળોએ છુપાવવામાં આવે છે. ATSએ ખેતર વચ્ચે ચાલતી MD ડ્રગ્સની ફેક્ટરી પર દરોડો પાડ્યો 7 ડિસેમ્બર, 2025એ ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત રાજસ્થાન જોધપુર જિલ્લાના સોઇંત્રા ગામની સીમમાં ચાલતી MD ડ્રગ્સની ફેક્ટરી પર દરોડો પાડી 40 કિલો MD ડ્રગ્સ ઝડપી લીધુ હતું. આ ફેક્ટરી ચલાવતા છ યુવાનને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર ગુજરાતના દરિયામાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું 10 મહિના પહેલાં પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાંથી રૂ.1800 કરોડનો 300 કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરાયો હતો. કોસ્ટ ગાર્ડની શિપને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા. એ બાદ કોસ્ટ ગાડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો. આ ઓપરેશન 12-13 એપ્રિલે હાથ ધરાયું હતું. ડ્રગ્સ મોકલનારનું નામ અગાઉ પણ ATSની તપાસમાં ખૂલ્યું હોવાનું જાણવા મળ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!