પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં ગેરકાયદે ખનનનો એક ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. ખનન માફિયાઓએ ખેડૂતની જાણ બહાર જ રાતોરાત ખેતીની જમીનમાંથી મોટા પાયે માટીનું ખનન કરી ખેતરને તળાવ જેવો વિશાળ ખાડો બનાવી દીધો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.

મળતી માહિતી મુજબ રાત્રિના સમયે JCB, હિટાચી અને ડમ્પરો જેવી ભારે મશીનરીનો ઉપયોગ કરીને ખેતરમાંથી હજારો ટન માટી કાઢવામાં આવી હતી. ખોદવામાં આવેલી માટી અન્ય સ્થળોએ પુરાણ અને બાંધકામના કામોમાં ઉપયોગ માટે લઈ જવામાં આવી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

ખેડૂત અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર, અગાઉ ઉપજાઉ અને ખેતીલાયક રહેલી જમીન હવે મોટા ખાડામાં પરિવર્તિત થઈ ગઈ છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મામલાની રજૂઆત બાદ ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ સ્થળ પર ખોદકામ થયાના પ્રાથમિક પુરાવા મળ્યા છે. હવે જમીનની માપણી, માલિકી સંબંધિત વિગતો અને જવાબદાર વ્યક્તિઓની ઓળખ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. રાત્રિના સમયે કલાકો સુધી ભારે મશીનરીથી ખોદકામ થતું રહ્યું છતાં સ્થાનિક તંત્ર અથવા સંબંધિત વિભાગોને તેની જાણ કેમ ન થઈ? ગેરકાયદે ખનન સામે તંત્ર કેટલું સજાગ છે તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

હવે સૌની નજર તપાસના પરિણામો અને ખનન માફિયાઓ સામે થનારી કાર્યવાહી પર ટકેલી છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!