સાંતલપુર તાલુકા પંચાયતના નવનિયુક્ત ભાજપના પ્રમુખ શક્તિસિંહ જાડેજા સામે મારામારીની ફરિયાદ નોંધાતા તાલુકાના રાજકીય વર્તુળોમાં મામલો ગરમાયો છે

ચૂંટણીની અદાવતમાં સાંતલપુરમાં યુવાન પર હુમલો, બે સામે પોલીસ ફરિયાદ

પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે ચૂંટણીની અદાવત ફરી એકવાર હિંસક સ્વરૂપ ધારણ કરતી જોવા મળી છે. ગામમાં “ચૂંટણીમાં વોટ કેમ ન આપ્યો અને અમારી સાથે કેમ ન રહ્યા” જેવી અદાવત રાખીને યુવાન તથા તેના પરિવાર ઉપર હુમલો કરાયો હોવાના આક્ષેપ સાથે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. ઘટનામાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને પ્રથમ સાંતલપુર સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

મળતી વિગતો મુજબ, સાંતલપુરના મોમાઈનગર વિસ્તારમાં રહેતા અને હાલમાં બી.એ.ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા દીપકસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા. 29 મે 2026ના રોજ સાંજના સાડા સાત વાગ્યાના આસપાસ તેઓ સાંતલપુર રેલવે સ્ટેશન રોડ પર બિહારી સાહેબના દવાખાના નજીક બેઠા હતા. તે દરમિયાન તેમના પિતા ઘનશ્યામસિંહ સાથે ગામના ગજુભા વર્ધાજી જાડેજા ચૂંટણી મુદ્દે ઉગ્ર બોલાચાલી કરી રહ્યા હતા.

ફરિયાદ મુજબ, ચૂંટણી દરમિયાન સમર્થન અને મતદાન બાબતે મનદુઃખ રાખીને ગાળો બોલવામાં આવી હતી અને “અમારા પક્ષે કેમ ન રહ્યા અને વોટ કેમ ન આપ્યો” તે મુદ્દે વાત ઉગ્ર બની હતી. આ દરમિયાન ફરિયાદીના પિતા સાથે ધોકાથી મારામારી કરાઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

પોતાના પિતાને બચાવવા માટે દીપકસિંહ વચ્ચે પડતા મામલો વધુ ગરમાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. દીપકસિંહે પોલીસને જણાવ્યું છે કે આરોપી ગજુભાએ પોતાના ભત્રીજા શક્તિસિંહ પ્રવિણસિંહ જાડેજાને ફોન કરીને સ્થળ પર બોલાવ્યો હતો અને બંનેએ મળીને હુમલાની યોજના બનાવી હોવાનું તેમને લાગ્યું હતું.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે પરિસ્થિતિ ગંભીર બનતા દીપકસિંહ સ્થળ પરથી નીકળી પોલીસ સ્ટેશન તરફ જવા લાગ્યા હતા. જોકે, આરોપીઓએ તેમનો પીછો ચાલુ રાખ્યો હતો. બિહારી સાહેબના દવાખાના વિસ્તાર બાદ વિઠ્ઠભા જાડેજાની દુકાન નજીક આવેલી શેરીમાં બંને ફરી તેમની પાછળ પહોંચી ગયા હતા. ફરિયાદીનો આક્ષેપ છે કે એક આરોપીએ તેમને પકડી રાખ્યા હતા જ્યારે બીજા આરોપીએ લોખંડની ટામી વડે માથાના ભાગે હુમલો કર્યો હતો. હુમલાથી તેઓને ગંભીર ઇજા પહોંચી હતી અને સ્થળ પર દહેશતનો માહોલ સર્જાયો હતો.

ફરિયાદ અનુસાર હુમલા દરમિયાન આરોપીઓએ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં દીપકસિંહ ત્યાંથી છટકી સાંતલપુર સરકારી દવાખાને પહોંચ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. માથાના ભાગે ગંભીર ઇજા જણાતા ડોક્ટરોએ તેમને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ રીફર કર્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયેલા દીપકસિંહને માથામાં ત્રણ ટાંકા લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રો મુજબ, સારવાર બાદ ફરિયાદીએ પરિવાર સાથે ચર્ચા કરીને સાંતલપુર પોલીસ મથકે આવી લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે આરોપી ગજુભા વર્ધાજી જાડેજા અને શક્તિસિંહ પ્રવિણસિંહ જાડેજા સામે મારામારી, ધમકી અને જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાને લઈને સાંતલપુર વિસ્તારમાં રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!