અમદાવાદના આસારામ આશ્રમ પાસે આજે (6 જૂન) ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મોટેરા જૂના ગામ પાસે આવેલી વસાહતમાં 17 મકાનના ગેરકાયદેસર ભાગને તોડવા પહોંચેલી AMCની ટીમ અને પોલીસને સ્થાનિકોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. AMCની ટીમ પહોંચતા જ સ્થાનિકો મકાનના દસ્તાવેજ લઇને રસ્તે ઉતરી ગયા હતા. પોલીસ અને AMCની ટીમ ગામમાં આવતા જ સ્થાનિકોએ રોક્યા હતા. બાદમાં સ્થિતિ વણસતા અધિકારીઓએ માઇકમાં એનાઉસ કરીને 30 મિનિટમાં મકાન ખાલી કરવાની સૂચના આપી હતી. સૂચના મળતાં જ સ્થાનિકો વિફર્યા હતા. 30 મિનિટનો સમય પૂરો થતાં જ મોટેરા જૂના ગામમાં JCB ઘૂસ્યા હતા. JCB ઘૂસતાં જ ભારે અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી. JCBના ઘોંઘાટ વચ્ચે બાળકોનો રડવાનો અવાજ, મહિલાઓનો આક્રંદ અને યુવાનોનો આક્રોશશ ઉડીને આંખે વળગતો હતો. આ કરૂણ સ્થિતિ વચ્ચે એક યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા તેની અટકાયત કરાઈ હતી. અટકાયત થતાં તે બોલ્યો કે આત્મવિલોપન કરીશ તો જવાબદારી તમામ અધિકારીઓની રહેશે. આ દરમિયાન એક યુવતીએ રડતાં રડતાં કહ્યું કે તેમને 6 મહિનાનો છોકરો છે એ કેવી રીતે રહેશે. બાદમાં તેની પત્નીએ ફિનાઇલ પી લીધું હતું. ડિમોલિશન દરમિયાન આશરો છીનવાતા મા-દીકરીની ‘આશા’ પણ તૂટી હતી. નિરાશા ભરેલા સ્વરે એક માતા બોલી કે બેટી ભણાવો કશું તંબુરો નથી થતું. આજે દીકરીની પરીક્ષા હતી અને મકાન તોડી નાખ્યું. દીકરીએ રડતાં રડતાં કહ્યું કે મારે 14 તારીખે કોન્સ્ટેબલની એક્ઝામ છે. તૈયારી આખી પૂરી છે. હવે શું કરું? ભણવા માટે ક્યાંય જગ્યા નથી મારી જોડે, હું ક્યાં બેસીને ભણું? અમને બેઘર કરી દીધા, તો શું હું રોડ ઉપર બેસીને ભણું? મારું ભવિષ્ય આખું બરબાદ થઈ ગયું છે. પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કાર્યવાહી
સ્થિતિની ગંભીરતાને જોતા AMCએ અગાઉથી જ ડિમોલિશનની તૈયારી કરી લીધી હતી. પોલીસ પ્રોટેક્શન માંગતા 1 ACP, 5 PI, 10 PSI સહિત કુલ 150 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર રહ્યા હતા. સાથે જ 5 JCB સાથે ડિમોલિશન કાર્યવાહી શરૂ કરાઈ હતી. મકાનના દસ્તાવેજ સાથે સ્થાનિકોનો વિરોધ
ડિમોલિશનની શરૂઆત થાય તે પહેલાં જ સ્થાનિકો રસ્તે ઉતરી ગયા હતા. સ્થાનિકોએ મકાનના દસ્તાવેજ દેખાડી AMCની કામગીરીનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન સ્થાનિક અંજલિ ઠાકોરે જણાવ્યું કે અમારું મકાન વર્ષો જૂનું છે. 50 વારનું મકાન તો કાયદેસર છે આગળનું જે ગેરકાયદેસર છે તેને જાતે તોડવા તૈયાર છીએ. અમને મકાનના બદલામાં સાતથી આઠ હજાર ભાડાની ઓફર કરવામાં આવી અને ઔડાનું મકાન ફાળવવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ એટલા ભાડામાં કોઈ મકાન મળતું નથી. ચોમાસુ આવી રહ્યું છે અને બાળકોની સ્કૂલ ચાલુ થઈ રહી છે અમે ક્યાં જઈશું. એનાઉન્સમેન્ટ થતા જ લોકો વિફર્યા
સ્થાનિકોના ભારે આક્રોશ અને ગુસ્સાને જોતા AMCએ કાર્યવાહી અટકાવવાની ફરજ પડી હતી. બાદમાં AMCના અધિકારીએ માઇકમાં એનાઉસ કરીને 30 મિનિટમાં મકાન ખાલી કરવા સૂચના આપી હતી. આવું એનાઉન્સમેન્ટ થતા જ લોકો વિફર્યા હતા. યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસે અટકાયત કરી
વિરોધ વધતા એક યુવકે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસે અટકાયત કરી હતી. આ દરમિયાન એક યુવતી રડતાં રડતાં બોલતી હતી કે એમને 6 મહિનાનો છોકરો છે તે કેમ રહેશે. માર્કિંગથી વધુ તોડી નાખતા હોબાળો
30 મિનિટનો સમય પૂરો થતાં જ મોટેરા જૂના ગામમાં JCB ઘૂસતાં ભારે અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી. એક બાદ એક JCB ગામમાં ઘૂસતાં જ બાળકો રડવા માંડ્યા હતા. એક યુવકે કહ્યું કે મારું બાથરૂમ સુધીનું ઘર જ પાડવાનું છે, પરંતુ JCBથી તોડશે એટલે આખું ઘર પડી જશે. આ વચ્ચે ડિમોલિશન દરમિયાન એક વ્યક્તિનું ઘર માર્કિંગથી વધુ તોડી નાખતા હોબાળો થયો હતો. લોકોએ કામ અટકાવી દેતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. તો એક જગ્યાએ સ્થાનિકો અને AMCના કર્મચારી વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. બાદમાં પોલીસે વચ્ચે પડીને તેઓને અલગ પાડ્યા હતા. AMCએ એમ્બ્યુલન્સ મોકલ્યા છતાં ભૂપેન્દ્રભાઈ ચાલતા-ચાલતા હોસ્પિટલ ગયા
ડિમોલિશન કાર્યવાહી દરમિયાન ભૂપેન્દ્રભાઈ નામના વ્યક્તિની તબિયત ખરાબ થતા એમ્બ્યુલન્સ પહોંચી હતી, પરંતુ AMCએ એમ્બ્યુલન્સ મોકલતા ભૂપેન્દ્રભાઈ ચાલતા-ચાલતા હોસ્પિટલ જવા રવાના થયા હતા. મોટેરા જૂના ગામમાં ડિમોલિશનની પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!