બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દુદાસણ ગામ નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બેફામ સ્પીડે આવી રહેલા ડમ્પરે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેક્ટરને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને તેઓએ રોડ પર ઉતરી આવી અંદાજે 40 થી 50 જેટલા ડમ્પરોને અટકાવી દઈ ચક્કાજામ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, જે ટ્રેક્ટરને અકસ્માત નડ્યો છે તે ગામના જ એક વિધવા મહિલા ભારતીબેનનું હતું. ભારતીબેન આ ટ્રેક્ટરની કમાણી પર જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અકસ્માતમાં ટ્રેક્ટર ક્ષતિગ્રસ્ત થતાં વિધવા મહિલાની આજીવિકા સામે મોટો સંકટ ઊભો થયો હતો, જેને કારણે ગ્રામજનો વધુ આક્રોશમાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ 112 પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ભારે જહેમત બાદ રોષે ભરાયેલા ગ્રામજનોને શાંત પાડી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને અટકાવેલા ડમ્પરોને મુક્ત કરાવ્યા હતા.
ગ્રામજનોએ વિધવા મહિલાની પરિસ્થિતિને ધ્યાને રાખીને એકસૂરે માંગ કરી હતી કે, ડમ્પર માલિક દ્વારા ટૂંક જ સમયમાં આ આખું ટ્રેક્ટર પોતાના ખર્ચે રિપેર કરી આપવામાં આવે.
સ્થાનિકોના ભારે દબાણ અને પોલીસની મધ્યસ્થતા બાદ, ડમ્પર માલિકે પોતાની ભૂલ સ્વીકારી હતી અને ગ્રામજનોની માંગણીને માન્ય રાખીને ટૂંક જ સમયમાં ટ્રેક્ટર રિપેર કરાવી આપવાની ખાતરી આપી હતી. ત્યાર બાદ મામલો થાળે પડ્યો હતો.
The Gujarat Live News રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ
