“ઓપરેશન MULE HUNT 2.0” હેઠળ પાટણ સાયબર ક્રાઇમ પોલીસની મોટી કાર્યવાહી

રૂ. 398 કરોડના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, 14 આરોપીઓ ઝડપાયા

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વધતા સાયબર ગુનાઓ પર નિયંત્રણ લાવવા અને બેંક ખાતાઓ ભાડે આપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાથવા શરૂ કરાયેલા “ઓપરેશન MULE HUNT 2.0” અંતર્ગત પાટણ સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે રૂ. 398.43 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સાથે સંકળાયેલા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરીને 14 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 6 આરોપીઓ હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ, ભારત સરકારના SAMANVAYA અને NCCRP પોર્ટલ પર ઉપલબ્ધ માહિતીના વિશ્લેષણ દરમિયાન હારીજ નાગરિક સહકારી બેંકમાં ખોલાયેલા કેટલાક કરંટ ખાતાઓ શંકાસ્પદ જણાયા હતા. તપાસમાં બહાર આવ્યું કે કેટલાક લોકો દ્વારા સામાન્ય નાગરિકોને રોકડ રકમ અને માસિક કમિશનની લાલચ આપી તેમના નામે પેઢીઓ ઉભી કરાવી બેંક ખાતાઓ ખોલાવવામાં આવતા હતા.

આ ખાતાઓનો ઉપયોગ OTP ફ્રોડ, APK લિંક આધારિત છેતરપિંડી, ડિજિટલ અરેસ્ટ, સેક્સટોર્શન, સોશિયલ મીડિયા મારફતે આર્થિક છેતરપિંડી તેમજ ઓનલાઈન જુગાર અને સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં કુલ 13 મ્યુલ એકાઉન્ટ્સમાંથી રૂ. 398.43 કરોડના નાણાકીય વ્યવહારો થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ખાતાઓ સામે દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 228 સાયબર ફ્રોડ ફરિયાદો નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે.

આ મામલે 13 ખાતાધારકો અને 7 વચેટિયાઓ સહિત કુલ 20 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બાકીના 6 આરોપીઓને શોધવા માટે તજવીજ તેજ કરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી પાટણ જિલ્લાના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ એલસીબી પાટણની સંયુક્ત કામગીરીથી સફળ બની હતી.

પોલીસની જનતાને અપીલ

પાટણ જિલ્લા પોલીસે નાગરિકોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિએ પોતાના બેંક ખાતા, ATM કાર્ડ, ચેકબુક, સિમકાર્ડ અથવા ઇન્ટરનેટ બેંકિંગની વિગતો અન્ય વ્યક્તિને પૈસા કે કમિશનની લાલચમાં આપવી નહીં. આવા કૃત્યો માત્ર કાયદેસર ગુનો જ નહીં પરંતુ સાયબર ગુનેગારોને પ્રોત્સાહન આપતા હોય છે.

સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર નાગરિકોએ તાત્કાલિક 1930 હેલ્પલાઇન અથવા National Cyber Crime Reporting Portal પર ફરિયાદ નોંધાવી કાયદાકીય મદદ મેળવવાની અપીલ કરવામાં આવી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!