પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના વધતા ભાવોના વિરોધમાં રાધનપુર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જોકે કાર્યક્રમ અગાઉ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો દ્વારા આપવામાં આવેલા જવાબોને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં જાહેર કરાયેલા સંદેશમાં કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં આવેદનપત્ર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંગે વિગતો જાણવા મીડિયા પ્રતિનિધિઓએ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભેમાજી ઠાકોર અને શહેર કોંગ્રેસ પ્રમુખ રફિકભાઈ ઘાંચીનો સંપર્ક કર્યો હતો.

વાતચીત દરમિયાન પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં તાજેતરમાં કેટલો વધારો થયો છે તે અંગે પૂછવામાં આવતા તાલુકા પ્રમુખ ભેમાજી ઠાકોરે ચોક્કસ આંકડાકીય માહિતી પોતાની પાસે ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતું. તેમણે માહિતી મેળવીને જણાવવાની વાત કરી હતી. તેમના આ જવાબ બાદ સ્થાનિક સ્તરે વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી.

કાર્યક્રમમાં જિલ્લા કે પ્રદેશ કક્ષાના કયા આગેવાનો ઉપસ્થિત રહેશે તે અંગે પણ સ્પષ્ટ માહિતી મળી નહોતી. કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ વરિષ્ઠ આગેવાનો હાજર રહી શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી, પરંતુ કોઈ ચોક્કસ નામની પુષ્ટિ કરી શક્યા નહોતા.

સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કરાયેલા આમંત્રણમાં પણ મુખ્યત્વે તાલુકા અને શહેર પ્રમુખના નામોનો જ ઉલ્લેખ જોવા મળ્યો હતો. અન્ય હોદ્દેદારો અથવા કાર્યકરોના નામ ન દર્શાવાતા આ મુદ્દે પણ પ્રશ્નો ઊભા થયા હતા.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કોઈપણ મુદ્દે જાહેર વિરોધ નોંધાવતા પહેલાં સંબંધિત વિષયની સંપૂર્ણ અને સ્પષ્ટ માહિતી સ્થાનિક નેતૃત્વ પાસે હોવી જરૂરી છે. બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોનું કહેવું છે કે ભાવવધારો સામાન્ય નાગરિકોને અસર કરતો મુદ્દો હોવાથી તેના વિરોધમાં આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલ સમગ્ર ઘટનાક્રમને લઈને રાધનપુરના રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે અને કોંગ્રેસના કાર્યક્રમ પર સૌની નજર મંડાઈ છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!