દેશભરમાં સતત વધી રહેલી મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારા સામે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બળદગાડા સાથે રેલી કાઢી કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ પેટ્રોલ, ડીઝલ, રસોઈ ગેસ, CNG અને PNGના સતત વધી રહેલા ભાવોને લઈને ભાજપ સરકાર સામે જોરદાર નારેબાજી કરી હતી. “ભાજપ સત્તામાં મસ્ત – જનતા ભાવવધારાથી ત્રસ્ત”, “મોંઘવારી હટાવો, જનતાને રાહત આપો” જેવા સૂત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરોએ પણ ભાગ લીધો હતો. મહિલાઓએ છાજિયા અને ઘરગથ્થુ વપરાશની વસ્તુઓ સાથે પ્રતિકાત્મક વિરોધ નોંધાવી મોંઘવારીના કારણે સામાન્ય પરિવારો પર પડી રહેલા આર્થિક બોજ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે સતત વધી રહેલા ઇંધણના ભાવોના કારણે પરિવહન ખર્ચમાં વધારો થઈ રહ્યો છે, જેના સીધા પ્રભાવથી ખાદ્યપદાર્થો સહિતની જીવનજરૂરી વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. પરિણામે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને જીવનનિર્વાહ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રેલી બાદ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રાધનપુર મામલતદારને આવેદનપત્ર પાઠવી કેન્દ્ર અને રાજ્ય સરકારને મોંઘવારી પર નિયંત્રણ લાવવા, પેટ્રોલ-ડીઝલ તેમજ ગેસના વધતા ભાવોમાં ઘટાડો કરવા અને સામાન્ય જનતાને તાત્કાલિક રાહત આપવા માંગ કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના સ્થાનિક આગેવાનો, કાર્યકરો, મહિલા મોરચાના સભ્યો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો મોંઘવારીના પ્રશ્ને સરકાર યોગ્ય પગલાં નહીં ભરે તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!