ચાર મહિનાથી ગંદા પાણીનો ત્રાસ છતાં નિરાકરણ નહીં આવતા રહીશોમાં રોષ, હાઈવે પર વાહનોની કતારો

પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા ગંભીર બની છે. છેલ્લા ચાર મહિનાથી ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા આસપાસના રહેવાસીઓ અને વેપારીઓ પરેશાન બન્યા છે. જાહેર માર્ગ પર સતત ગંદુ પાણી ભરાઈ રહેતા વાહનચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે.
સમસ્યાના નિરાકરણ માટે અગાઉ શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા પાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, રજૂઆત બાદ પણ સ્થિતિમાં સુધારો ન થતાં સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે નારાજગી વધી હતી.
આખરે આજે વિસ્તારની વિવિધ સોસાયટીઓના રહીશો મોટી સંખ્યામાં પદ્મનાભ ચાર રસ્તા ખાતે એકત્ર થયા હતા. લોકોએ ગટર સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. અચાનક સર્જાયેલા વિરોધના પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
બનાવની જાણ થતાં પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. લાંબા સમયથી ગંદા પાણીની સમસ્યા વેઠી રહેલા સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી વહેલી તકે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
સ્થાનિકોનું કહેવું છે કે ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગ પર ફેલાતું હોવાથી સ્વચ્છતા સાથે આરોગ્યનો પ્રશ્ન પણ ઊભો થયો છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
