JCB ઉતારી ગામના વિવિધ વિસ્તારોમાંથી કચરો હટાવાયો, સ્વચ્છતા જાળવવા ગ્રામજનોને અપીલ

સાંતલપુર ગામમાં સ્વચ્છતા વધારવા માટે ગ્રામ પંચાયત દ્વારા વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગામના જાહેર વિસ્તારોમાં લાંબા સમયથી એકત્ર થયેલા કચરાના ઢગલાઓ દૂર કરવા માટે પંચાયત દ્વારા JCB મશીનની મદદ લેવામાં આવી હતી.
ગામના વિવિધ માર્ગો તેમજ ખુલ્લી જગ્યાઓમાં પ્લાસ્ટિક, કોથળા અને અન્ય કચરો જમા થતાં ગંદકીનું પ્રમાણ વધ્યું હતું. આવી સ્થિતિમાં ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ તેમજ સ્વચ્છતા અંગેની ચિંતાને ધ્યાનમાં રાખીને સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સફાઈ અભિયાન દરમિયાન JCB દ્વારા કચરો એકત્ર કરી જાહેર સ્થળોને સાફ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં ગામના અન્ય વિસ્તારોમાં પણ તબક્કાવાર સફાઈ હાથ ધરવાની યોજના હોવાનું જણાવાયું છે.
સરપંચ દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી કે, જાહેર સ્થળોએ કચરો ન ફેંકે અને કચરાનો યોગ્ય રીતે નિકાલ કરે. ગ્રામજનોના સહયોગથી સાંતલપુરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું પણ જણાવાયું હતું.
પંચાયતની આ કામગીરીને પગલે ગામના લોકોમાં પણ સંતોષ જોવા મળ્યો હતો અને સ્વચ્છતા અભિયાનને ગ્રામજનોએ આવકાર્યું હતું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
