જેતલપુરા-સરદારપુરા સહિતના વિસ્તારોમાં યોગ્ય કટની માંગ, શીનાડ અને ભાભર ત્રણ રસ્તા પર માર્ગ વ્યવસ્થાને લઈને સવાલો
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
રાધનપુર–પાલનપુર નેશનલ હાઇવે પર અવરજવર કરતા વાહનચાલકો અને સ્થાનિકોને પડતી મુશ્કેલીઓને લઈને હવે માર્ગ વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને જેતલપુરા, સરદારપુરા, શીનાડ અને ભાભર ત્રણ રસ્તા વિસ્તારમાં યોગ્ય કટ અને માર્ગ વ્યવસ્થાના અભાવે અકસ્માતનું જોખમ વધતું હોવાની સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.
જેતલપુરા ગામ નજીક સ્ટેટ હાઇવે નેશનલ હાઇવે સાથે જોડાતો હોવા છતાં વાહનચાલકો માટે અનુકૂળ કટની વ્યવસ્થા ન હોવાની ફરિયાદ છે. જેના કારણે સ્થાનિક વાહનચાલકોને અવરજવર માટે વધારાનું અંતર કાપવું પડતું હોવાનો સ્થાનિકોનો દાવો છે.
સરદારપુરા તેમજ શીનાડ વિસ્તારમાં પણ યોગ્ય કટની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે. શીનાડથી નેશનલ હાઇવે-68 તરફ જવા માટે સરળ અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થા ન હોવાથી કેટલાક વાહનચાલકો રોંગ સાઇડનો ઉપયોગ કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ સ્થિતિ અકસ્માતને આમંત્રણ આપતી હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
ભાભર ત્રણ રસ્તા પર પણ વ્યવસ્થા સામે નારાજગી
ભાભર ત્રણ રસ્તા ખાતે ઓવરબ્રિજની ડિઝાઇન અને આસપાસની ટ્રાફિક વ્યવસ્થાને લઈને પણ સ્થાનિકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. અહીં વાહનચાલકોને યોગ્ય માર્ગદર્શન અને વળાંકની સુવિધા ન મળતી હોવાના આક્ષેપો વચ્ચે અકસ્માતની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગ વ્યવસ્થાની અછતને કારણે કેટલાક વાહનચાલકો રોંગ સાઇડનો સહારો લે છે. પરિણામે ટ્રાફિક પોલીસની કાર્યવાહીનો સામનો કરવો પડતો હોવાની પણ ફરિયાદો છે. લોકોનું કહેવું છે કે વાહનચાલકોને યોગ્ય કટ અને માર્ગ ઉપલબ્ધ કરાવવામાં આવે તો રોંગ સાઇડના ઉપયોગની સમસ્યામાં ઘટાડો થઈ શકે.
અકસ્માત બાદ નહીં, અગાઉથી જ પગલાં લેવાની માંગ
સ્થાનિકોએ સંબંધિત તંત્ર સમક્ષ માંગ કરી છે કે જેતલપુરા, સરદારપુરા, શીનાડ અને ભાભર ત્રણ રસ્તા સહિતના સ્થળોનું તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરવામાં આવે. જ્યાં જરૂરી હોય ત્યાં યોગ્ય કટ, સાઇનેજ, ડિવાઇડર અને અન્ય સુરક્ષાત્મક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે.
લોકોનું કહેવું છે કે અકસ્માત સર્જાયા બાદ તંત્ર જાગે તેની રાહ જોવાને બદલે સંભવિત અકસ્માત ઝોનની અગાઉથી ઓળખ કરી માર્ગ વ્યવસ્થામાં જરૂરી સુધારા કરવામાં આવે. હાઇવે પર વાહનચાલકો અને સ્થાનિકોની સલામતીને પ્રાથમિકતા આપી તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

