રૂ.2.22 લાખથી વધુની રોકડ અને મુદ્દામાલ કબજે, હારીજથી સાંતલપુર સુધી પોલીસની તાબડતોબ કાર્યવાહી
પાટણ જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. અલગ-અલગ પોલીસ મથકની ટીમોએ બાતમીના આધારે જિલ્લામાં છ સ્થળોએ દરોડા પાડી જુગાર રમતા કુલ 50 શખ્સોને ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીમાં રૂ.2,22,780થી વધુનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જિલ્લાના હારીજ, સમી તાલુકાના ભદ્રાડા, શંખેશ્વર તાલુકાના પીરોજપુરા, રાધનપુર તેમજ સાંતલપુર તાલુકાના પીપરાળા સહિતના વિસ્તારોમાં જુગાર રમાતો હોવાની પોલીસને માહિતી મળી હતી. જેના આધારે અલગ-અલગ ટીમોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
હારીજ પોલીસને કુકરાણા રોડ પર જગતદબા જીનની પાછળ હાથબત્તીના અજવાળે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. પોલીસે સ્થળ પર પહોંચી દરોડો પાડતાં મહેશ મનુભાઈ ભીલ સહિત નવ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂ.32,800ની રોકડ તેમજ હાથબત્તી સહિત કુલ રૂ.32,900નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
બીજી તરફ સમી તાલુકાના ભદ્રાડા ગામે ગામ તળાવ નજીક ખુલ્લા ચોકમાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. અહીંથી 11થી વધુ શખ્સોને ઝડપી લઈ રૂ.60,190ની રોકડ કબજે કરવામાં આવી હતી.
શંખેશ્વર તાલુકાના પીરોજપુરા ગામે ખેતરમાં આવેલા છાપરા પાસે જુગાર રમતા છ શખ્સો પોલીસની ઝપેટમાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.41 હજારની રોકડ કબજે કરી હતી.
આ ઉપરાંત રાધનપુરની રામનગર સોસાયટીમાં આવેલા એક મકાનમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો. સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે પણ જુગાર રમતા શખ્સો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિઓ વધતી હોવાના અહેવાલો વચ્ચે પોલીસ દ્વારા સતત બાતમી મેળવી વિવિધ સ્થળોએ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. છ જુગારધામો પર કરવામાં આવેલી આ કાર્યવાહીથી જુગાર રમાડતા અને રમતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે તમામ ઝડપાયેલા શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
