સુરતના પોશ વિસ્તાર ઉગત રોડ પર ચાલતા દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસ કાર્યકરોએ ‘જનતા રેડ’ મારીને ચકચાર મચાવી દીધી છે. મીની વીરપુર સોસાયટી પાસે મોડી સાંજે કાર્યકરો અચાનક ત્રાટકતાં દારૂ પીવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટાભાગના દારૂડિયા બૂટ-ચંપલ છોડીને ભાગી છૂટ્યા હતા. આ રેડ દરમિયાન એક ‘શોખીન’ વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈને પીતા-પીતા નીકળી ગયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કાર્યકરોએ દારૂની પોટલીઓ જપ્ત કરી બુટલેગરને ખખડાવ્યો હતો અને પોલીસની મિલીભગતના આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ જાતે જ મોરચો સંભાળ્યો હતો
સુરત શહેર કોંગ્રેસના કાર્યકરોએ ‘જનતા રેડ’ અંતર્ગત ઉગત રોડ પર આવેલી મીની વીરપુર સોસાયટી પાસે ચાલી રહેલા એક દેશી દારૂના અડ્ડા પર ઓચિંતો છાપો માર્યો હતો. સ્થાનિક રહીશોની ફરિયાદો છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના કાર્યકરોએ જાતે જ મોરચો સંભાળ્યો હતો. કાર્યકરોએ પોતાના મોબાઈલ ફોન ઓન કરીને વીડિયો શૂટિંગ શરૂ કર્યું અને અડ્ડા પર ત્રાટક્યા. ગળામાં કોંગ્રેસના ખેસ પહેરીને જ્યારે કાર્યકરો અચાનક પહોંચ્યા ત્યારે ત્યાં દારૂ પીવા આવેલા લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કોંગ્રેસના કાર્યકરો “દારૂબંધીના નામે ધતિંગ બંધ કરો” ના નારા લગાવતા અંદર ઘૂસ્યા કે તરત જ ત્યાં બેઠેલા તત્વો પોતાના બાઇક લઈને ભાગવા લાગ્યા હતા. કેટલાક તો બૂટ-ચંપલ પહેર્યા વગર જ દોડી ગયા હતા. રેડ દરમિયાન એક વ્યક્તિ દારુ પીતો-પીતો ભાગ્યો
આ આખી રેડ દરમિયાન એક એવું દ્રશ્ય મોબાઈલ કેમેરામાં કેદ થયું હતું જે જોઈને ત્યાં હાજર કાર્યકરો પણ હસી પડ્યા હતા. જ્યારે લોકો જીવ બચાવીને ભાગી રહ્યા હતા, ત્યારે એક ‘શોખીન’ વ્યક્તિ દારૂનો ગ્લાસ હાથમાં લઈને બહાર આવ્યો હતો. નવાઈની વાત એ હતી કે, સામે કોંગ્રેસના કાર્યકરો રેડ કરી રહ્યા હતા અને બીજી બાજુ પોલીસને ફોન કરવામાં આવી રહ્યો હતો, છતાં આ વ્યક્તિને દારૂ ફેંકી દેવો મંજૂર નહોતો. તે વ્યક્તિ ગ્લાસમાં ભરેલો દારૂ પીતા-પીતા, ચાલતા-ચાલતા ત્યાંથી નીકળી ગયો હતો. સોશિયલ મીડિયા પર આ શખ્સનો વીડિયો હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બુટલેગર સાથે બોલાચાલી અને પોલીસની કામગીરી પર સવાલ
રેડ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ અડ્ડા પરથી દેશી દારૂની પોટલીઓ જપ્ત કરી હતી. કાર્યકરોએ ત્યાં હાજર બુટલેગરને જાહેરમાં ખખડાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, “પોલીસની મીલીભગત વગર આટલી મોટી સોસાયટીની સામે અડ્ડો ચાલવો અશક્ય છે.” કાર્યકરો દ્વારા 112 નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ PCR પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં મોટાભાગના દારૂડિયા ભાગી ગયા હતા અને એક બુટેલગરની અટકાયત કરાઈ હતી.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!