જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ખાતે આવેલા મગફળી ખરીદ કેન્દ્ર પર આપના નેતાઓ અને શ્રમિક વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત ત્રણ લોકો સામે હુમલો અને છેડતીની ફરિયાદ થતા રાજનીતિ ગરમાઈ છે. પોલીસ દ્વારા આપના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓને હાજર થવા આદેશ કરતા આજે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ત્રણેય નેતાઓને હારતોળા કરી વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં મહિલા પીઆઈ અને ઈટાલિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બનાવમાં છેડતી કઈ રીતે થઈ તેનો સવાલ કરતા ઈટાલિયા મહિલા પીઆઈના પગે પડી ગયા હતા. મહિલા પીઆઈએ આ બાબતે નારાજગી વ્યકત કરી હતી અને ઘટનાસ્થળેથી જતા રહ્યા હતા. ​બારદાન ભરવા બાબતે બબાલ થઈ હતી
સમગ્ર મામલે વિસાવદરના એએસપી રોહિત ડાગરે જણાવ્યું હતું કે, માંડાવડ ખરીદી કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન હરેશ સાવલિયા અને અન્ય કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા. મગફળીને બારદાનમાં ભરવા જેવી સામાન્ય બાબતે શ્રમિકો સાથે બોલાચાલી કરી હતી. વિવાદ વધતા આરોપીઓએ શ્રમિકને માર મારી તેની પત્નીને ધક્કો માર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી અપમાનિત કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ​ગોપાલ ઇટાલીયા સાથે વાજતે-ગાજતે પોલીસ સ્ટેશન પહોંચી ‘આપ’ના કાર્યકરોનો રોષ
એટ્રોસિટી અને છેડતી જેવી ગંભીર ફરિયાદ નોંધાયા બાદ આજે વિસાવદરમાં અજીબોગરીબ દ્રશ્યો જોવા મળ્યા હતા.જેના પર ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઈ છે તેવા હરેશ સાવલિયા અને અન્ય આરોપીઓને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગળામાં ફૂલહાર પહેરાવ્યા હતા, અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે વાજતે-ગાજતે રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ફરિયાદ નોંધાતા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ પ્રકારનું શક્તિપ્રદર્શન રાજકીય આલમમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ખેડૂતો માટે લડનારાઓને જેલમાં પૂરવા ભાજપનું ષડયંત્ર:ગોપાલ ઇટાલિયા
​વિસાવદર મગફળી ખરીદી કેન્દ્ર પર થયેલી બબાલ અને ‘આપ’ના નેતાઓ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે ટેકાના ભાવે ખરીદીમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દી વિરુદ્ધ રજૂઆત કરનારાઓને જેલમાં ધકેલવા માટે એટ્રોસિટી અને છેડતી જેવા કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ‘વાજતે-ગાજતે પોલીસ સ્ટેશને હાજર થઈ પોતાની ધરપકડ વહોરવા તૈયાર છે’
​ગોપાલ ઈટાલિયાએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતમાં જે પણ ખેડૂતો કે અન્યાય વિરુદ્ધ લડે છે, તેને ભાજપના એજન્ટો પોલીસ સાથે મળીને ફસાવી દે છે. એટ્રોસિટીનો કાયદો રક્ષણ માટે છે, પરંતુ અહીં તેને હથિયાર બનાવી રાજકીય બદલો લેવામાં આવી રહ્યો છે. આજે હરેશ સાવલિયા અને અન્ય કાર્યકરો વાજતે-ગાજતે પોલીસ સ્ટેશને હાજર થઈ પોતાની ધરપકડ વહોરવા તૈયાર છે, કારણ કે તેઓ સત્ય માટે લડી રહ્યા છે. ​ઇટાલિયાએ પોલીસ અધિકારીઓને પણ પોતાનો આત્મા જગાડવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે સત્તાના દબાણમાં આવીને નિર્દોષોને ફસાવવાનું બંધ કરવામાં આવે. પોલીસે નોટિસ ફટકારી તપાસ હાથ ધરી
જૂનાગઢ નાયબ પોલીસ અધિક્ષક (SC/ST સેલ) રવિસેજસિંહ પરમાર દ્વારા આરોપીઓને BNSSની કલમ-35(3) મુજબ નોટિસ ફટકારી તપાસમાં હાજર રહેવા તાકીદ કરી છે. આ ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 75(2), 115(2), 296(બી), 351(૩3), 54 અને એટ્રોસિટી એક્ટની કલમ-3(1)(આર)(એસ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હરેશ સાવલિયા સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!