પાણી-ગટર અને સફાઈના મુદ્દે તંત્રને ઘેર્યું, ચીફ ઓફિસરને પ્રતિકાત્મક ‘સર્વશ્રેષ્ઠ એવોર્ડ’ આપી નોંધાવ્યો વિરોધ

રાધનપુર નગરપાલિકા કચેરીએ પાણી-ગટર સહિતના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસનો ઘેરાવો

સ્થાનિકો સાથે કોંગ્રેસ આગેવાનો નગરપાલિકાએ પહોંચ્યા, પ્રમુખની ચેમ્બર બંધ તો ઉપપ્રમુખની ચેમ્બરમાં પંખા-લાઈટ ચાલુ હોવાનો આક્ષેપ

રાધનપુર શહેરમાં પાણી, સફાઈ, ભૂગર્ભ ગટરલાઈન અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈને કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક લોકો નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ અંગે લોકોમાં નારાજગી હોવાના પગલે નગરપાલિકા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

નગરપાલિકા કચેરી ખાતે પહોંચેલા કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિકોએ પ્રમુખની ચેમ્બર બંધ હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ ઉપપ્રમુખની ચેમ્બર ખુલ્લી જોવા મળી હતી અને તેમાં લાઈટ તેમજ પંખા ચાલુ હાલતમાં હોવાનું પણ સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

આ ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા નગરપાલિકાની કામગીરી અને વહીવટ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ અને સ્થાનિકોએ શહેરના પાણી, ગટર, સફાઈ તથા સ્ટ્રીટ લાઈટ સહિતના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા અને નાગરિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ નિયમિત રીતે મળી રહે તે માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હતી.

રાધનપુર શહેરમાં પ્રાથમિક સુવિધાઓની સ્થિતિને લઈને કોંગ્રેસ દ્વારા નગરપાલિકા સામે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો નગરપાલિકા પરિસરમાં એકત્ર થયા હતા અને રામધૂન બોલાવી તંત્રનું ધ્યાન શહેરની સમસ્યાઓ તરફ દોર્યું હતું.

વિરોધ દરમિયાન કોંગ્રેસે પાણી પુરવઠો, ભૂગર્ભ ગટર અને સફાઈ વ્યવસ્થાને લઈને નગરપાલિકા તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના આક્ષેપ મુજબ શહેરના કેટલાક વિસ્તારોમાં ત્રણથી પાંચ દિવસના અંતરે માત્ર એક વખત પાણી મળતું હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ઉપરાંત અનેક વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા તેમજ જાહેર સ્થળોએ ગંદકીના ઢગલાઓ જોવા મળતા હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો હતો. લોકોની પાયાની જરૂરિયાતો અંગે તંત્ર યોગ્ય કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ કાર્યકરોએ ચીફ ઓફિસરને કટાક્ષરૂપે ‘સર્વશ્રેષ્ઠ એવોર્ડ’ અર્પણ કર્યો હતો.

એવોર્ડ આપવાના કાર્યક્રમ દરમિયાન અરજદારો અને ચીફ ઓફિસર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં થોડા સમય માટે વાતાવરણ ગરમાયું હતું. કોંગ્રેસે નગરપાલિકા તંત્રને શહેરની મૂળભૂત સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરી હતી.

જોકે, નગરપાલિકા તરફથી ચીફ ઓફિસરે શહેરમાં વિવિધ વિકાસલક્ષી કામગીરી ચાલી રહી હોવાનું જણાવી તંત્રનો બચાવ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનને પગલે રાધનપુરના રાજકીય માહોલમાં પણ ગરમાવો જોવા મળ્યો હતો.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!