ડીવાયએસપી સમક્ષ ગ્રામજનોની રજૂઆત, જવાબદાર તત્વો સામે પાસા-તડીપાર સહિત કડક કાર્યવાહીની માંગ

ભચાઉ તાલુકાના મનફરા ગામમાં રેતી અને માટીના ગેરકાયદેસર ખનનને લઈને વિવાદ ગંભીર બન્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ખનીજ ચોરીનો વિરોધ કરનાર યુવાન પર હુમલો થયાના બનાવ બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે ગામના નાગરિકોએ પૂર્વ કચ્છના ડીવાયએસપી સમક્ષ લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મનફરા ગામના ખડી વાસમાં રહેતા મણીબેન કરસનભાઈ કોલી સહિત આશરે ૨૦ જેટલા ગ્રામજનોએ કરેલી રજૂઆત મુજબ, ૨૮ ઓગસ્ટના રોજ કેટલાક શખ્સોએ ભેગા મળી તેમના પુત્ર અરજણભાઈ પર હુમલો કર્યો હતો. હુમલામાં અરજણભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાનું જણાવાયું છે. હાલ તેઓ ભુજની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

ગ્રામજનોના આક્ષેપ મુજબ, ગામ અને આસપાસના વિસ્તારમાં રેતી તથા માટી કાઢી ડમ્પરો મારફતે લઈ જવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. જમીનમાલિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવે ત્યારે તેમને ધમકી આપવામાં આવતી હોવા સાથે મારામારીના બનાવો બનતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

રજૂઆતમાં અમરશીભાઈ કોલીના નામનો ઉલ્લેખ કરીને તેમના નેતૃત્વ હેઠળ કેટલાક લોકો દ્વારા આવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. જોકે, આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકે છે.

ગ્રામજનોએ એવો પણ દાવો કર્યો છે કે, અગાઉ ગામમાં મારામારી, હુમલા અને દારૂના ગેરકાયદેસર વેચાણ સહિતના બનાવોને લઈને પોલીસ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. અસામાજિક તત્વોના ભયના કારણે ગામના કેટલાક પરિવારો અને વેપારીઓને સ્થળાંતર કરવાની ફરજ પડી હોવાનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હાલ પીડિત પરિવાર અને ગ્રામજનોએ પોલીસ સુરક્ષાની માંગ સાથે જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. ખાસ કરીને પાસા અને તડીપાર જેવી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

મનફરા ગામમાં ઊભા થયેલા આ સમગ્ર વિવાદને પગલે હવે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આક્ષેપોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તેના પર સૌની નજર છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!