વર્ષો જૂની પરંપરા નિમિત્તે સમસ્ત ગ્રામજનો એકસાથે જોડાયા, ભક્તિ અને ભાઈચારાનો અનોખો સંગમ જોવા મળ્યો

પાટણ જિલ્લાના વારાહી નજીક આવેલા જોરાવરગઢ નવા સાધપુરા ગામમાં શ્રી બજરંગ બલી દાદાના મંદિર ખાતે તા. 1 નવેમ્બર 2026ના રોજ પરંપરાગત ઉજાણીનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. વર્ષોથી ચાલી આવતી આ ઉજાણીમાં સમગ્ર ગામના લોકો એકત્રિત થઈ ભક્તિભાવપૂર્વક કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.
જોરાવરગઢ ગામમાં આવેલું શ્રી બજરંગ બલી દાદાનું મંદિર ગ્રામજનોની અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. ઉજાણીના પવિત્ર અવસરે વહેલી સવારથી જ ગામમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. ડીજેના તાલ સાથે શ્રી બજરંગ બલી દાદાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ઉજાણીના કાર્યક્રમમાં ગામના તમામ લોકો ઊંચ-નીચના ભેદભાવને ભૂલી એકસાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી સામાજિક એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ બજરંગ બલી દાદાના ચરણોમાં શીશ નમાવી ગામના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
ઉજાણીના દિવસે ગામમાં સંપૂર્ણ રજા પાળવાની પરંપરા
જોરાવરગઢ ગામની આ ઉજાણીની વિશેષતા એ છે કે વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા ગ્રામજનો ઉજાણીના દિવસે પોતાના ધંધા-રોજગાર અને અન્ય કામકાજથી વિરામ લે છે. આખો દિવસ શ્રી બજરંગ બલી દાદાની સેવા, પૂજા-અર્ચના અને ભક્તિમાં વિતાવવામાં આવે છે. હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ભજન-કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ગામની બહાર રોજગાર કે અન્ય કારણોસર વસતા ગ્રામજનો પણ આ પવિત્ર ઉજાણીમાં ભાગ લેવા પોતાના વતન પરત આવે છે. જેના કારણે આ કાર્યક્રમ માત્ર ધાર્મિક ઉજવણી જ નહીં, પરંતુ ગામના લોકો વચ્ચે લાગણી, એકતા અને સામાજિક જોડાણને મજબૂત બનાવતો અવસર બની રહે છે.
ઉજાણીના અંતે સમસ્ત ગ્રામજનોએ શ્રી બજરંગ બલી દાદાને પ્રાર્થના કરી હતી કે દાદાની કૃપા હંમેશા ગામ અને ગ્રામજનો ઉપર વરસતી રહે તથા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય જળવાઈ રહે.
જોરાવરગઢ ગામની આ વર્ષો જૂની પરંપરા ભક્તિ, શ્રદ્ધા અને સામૂહિક એકતાનો સુંદર સંદેશ આપી રહી છે.
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
