4,580 કિલો એલ્યુમિનિયમ વાયર સહિત ₹13.45 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી ઝડપાયો

નખત્રાણા વિસ્તારમાં વીજ વાયર ચોરીના બનાવોને અંજામ આપતી ગેંગ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની કાર્યવાહીમાં મોટી માત્રામાં ચોરીનો એલ્યુમિનિયમ વાયર તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાતું વાહન મળી કુલ ₹13.45 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે અન્ય છ આરોપીઓના નામ સામે આવતા પોલીસે તેમની ધરપકડ માટે તપાસ તેજ કરી છે.
વીજ વાયર ચોરી અંગે નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન પોલીસને ચોરીના માલ અંગે મહત્વની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરતાં સુરેશ રામકિશન કુંમાવત (21) પોલીસના હાથે ઝડપાયો હતો. આરોપી મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના અંબરગઢનો હોવાનું અને હાલમાં અમદાવાદના નાના ચિલોડા ખાતે રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે આરોપી પાસેથી વિવિધ સાઇઝના એલ્યુમિનિયમ વીજ વાયરના ફીંડલા મળી કુલ 4,580 કિલોગ્રામ વાયર કબજે કર્યો છે. જપ્ત કરાયેલા વાયરનો અંદાજિત ભાવ ₹8.40 લાખ છે. આ ઉપરાંત ચોરીના માલની હેરફેરમાં ઉપયોગમાં લેવાતી આઇસર ગાડી નં. GJ-14-Z-5797, જેની કિંમત આશરે ₹5 લાખ છે, તેમજ ₹5 હજારનો મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે.
આમ પોલીસ દ્વારા કુલ ₹13.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન ચોરીના આ નેટવર્કમાં વધુ છ શખ્સોની સંડોવણી હોવાની માહિતી પોલીસને મળી છે.
પોલીસના જણાવ્યા મુજબ રામકુમાર કુમાવત, યશપાલસિંગ નેનોસિંગ રાજપુત, બાબુ રાવત, સરાજ અનવર કઠાત, બાબુ કઠાત અને કાળુ શિવા હાલ ફરાર છે. તેમની શોધખોળ માટે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જયંતીભાઇ માજીરાણા તથા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપી પાસેથી વધુ માહિતી મેળવવા માટે પોલીસે પૂછપરછ શરૂ કરી છે અને ચોરીના અન્ય બનાવો સાથે આ ગેંગનું કોઈ જોડાણ છે કે કેમ તે અંગે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
