વડોદરામાં દુનિયાની સૌથી મોટી સોલર ડીશ સ્થાપિત કરવામાં આવી છે. આ અત્યાધુનિક 500 ચો.મી.ની સોલર ડીશની મદદથી દરરોજ 2 હજાર લોકોની રસોઈ તૈયાર કરી શકાશે અને સાથે જ 100 ટનનો એસી (AC) પ્લાન્ટ પણ ચલાવી શકાશે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે તેના ઉપયોગથી ગેસ અને વીજળીના બિલમાં ધરખમ ઘટાડો થશે અને બિલ શૂન્ય થઈ જશે. પર્યાવરણને અનુકૂળ આ ટેક્નોલોજી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં અને ઉર્જાના ખર્ચને બચાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. આ સોલર ડીશ ટેકનોલોજીને સોલાર કોન્સન્ટ્રેટર તરીકે ઓળખવામાં આવે છે
સૌર કોન્સન્ટ્રેટર એ એક ઉપકરણ છે જે સૂર્યપ્રકાશના મોટા વિસ્તારને નાના બિંદુ અથવા રેખા પર કેન્દ્રિત કરવા માટે અરીસાઓ અથવા લેન્સનો ઉપયોગ કરે છે, જે તીવ્ર ગરમી ઉત્પન્ન કરે છે જેનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા (CSP – કેન્દ્રિત સૌર ઉર્જા) અથવા ઔદ્યોગિક પ્રક્રિયાઓ માટે, અથવા સૌર કૂકરમાં ખોરાક રાંધવા માટે પણ થાય છે, જેમ કે પેરાબોલિક ડીશ અથવા લ્યુમિનેસન્ટ સૌર કોન્સન્ટ્રેટર. અગાઉ મુની સેવા આશ્રમમાં રોજે રોજ અંદાજે 1000 કિલો લાકડાનો ઉપયોગ થતો હતો, જેના કારણે ખર્ચમાં વધારો થતો હતો અને પર્યાવરણને પણ નુકસાન પહોંચતું હતું. હવે સૌર ડીશ કાર્યરત થતા લાકડાનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થશે, જેના પરિણામે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને પર્યાવરણ વધુ સુરક્ષિત બનશે. ‘ગેસનો ઉપયોગ નહીં થાય અને હવા પ્રદૂષિત નહીં થાય’
મુની સેવા આશ્રમના ડૉ. વિક્રમભાઈએ જણાવ્યું હતું કે, આ સૌર ડીશ ઓછી જમીનમાં સ્થાપિત કરી શકાય છે, જે હોસ્પિટલ જેવી સંસ્થાઓ માટે અત્યંત અનુકૂળ છે. આ ટેકનોલોજી દ્વારા હોસ્પિટલના અંદાજે 100 ટન ક્ષમતાના એરકન્ડીશન પ્લાન્ટ ચલાવવામાં આવશે. અગાઉ એરકન્ડીશન વીજળી અને ગેસ આધારિત હતા, જ્યારે હવે તે સ્ટીમ આધારિત રહેશે, જેના કારણે કોઈ પણ પ્રકારના ગેસનો ઉપયોગ નહીં થાય અને હવા પ્રદૂષિત નહીં થાય. દરરોજ આશરે 2000 લોકો માટે રસોઈ શક્ય બનશે
આ સ્ટીમ ટેકનોલોજી દ્વારા આશ્રમમાં દરરોજ આશરે 2000 લોકો માટે રસોઈ શક્ય બનશે. ઉપરાંત, હોસ્પિટલમાં જ્યાં જ્યાં સ્ટીમની જરૂરિયાત છે, જેમ કે રસોઈ, લોન્ડ્રી, સ્ટેરિલાઇઝેશન, ગરમ પાણી વગેરે ત્યાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.હાલમાં આશ્રમમાં આવી બે સૌર ડીશ સ્થાપિત કરવામાં આવી છે, જેના કારણે સંસ્થાને લાંબા ગાળે મોટો આર્થિક લાભ મળશે અને ભવિષ્યમાં વધુ સુવિધાઓ વિકસાવી શકાશે. ‘આ સૌર ડીશ દુનિયાની સૌથી મોટી સોલાર ડીશ છે’
આ અદ્યતન ટેકનોલોજી લાવનાર દીપક ગઢિયાએ જણાવ્યું હતું કે, આ ટેકનોલોજી મૂળ ઓસ્ટ્રેલિયાથી લેવામાં આવી હતી, પરંતુ હવે તેની સંપૂર્ણ ઉત્પાદન પ્રક્રિયા ભારતમાં જ વિકસાવવામાં આવી છે. ‘એક ડીશ દ્વારા 100 ટન એરકન્ડીશન ચલાવી શકાય’
આ સૌર ડીશ સૂર્યના કિરણોને કેન્દ્રિત કરીને ઊંચું તાપમાન ઉત્પન્ન કરે છે, જેના દ્વારા સોલાર બોઇલરમાંથી સ્ટીમ તૈયાર કરવામાં આવે છે. એક ડીશ દ્વારા 100 ટન એરકન્ડીશન ચલાવી શકાય છે. હાલ ગોરજમાં બે ડીશ કાર્યરત હોવાથી કુલ 200 ટન એરકન્ડીશન ક્ષમતા પ્રાપ્ત થઈ છે. ડીશ સૂર્યની દિશામાં બંને તરફ ફરી શકે છે
આ ડીશની વિશેષતા એ છે કે, જેમ સૂર્યમુખી ફૂલ સૂર્ય તરફ ફરે છે, તેમ આ ડીશ પણ સૂર્યની દિશામાં બંને તરફ ફરી શકે છે. તેમાં અંદાજે 300 નાના અરીસા લગાવવામાં આવ્યા છે, જે સૂર્યના કિરણોને એક બિંદુ પર કેન્દ્રિત કરીને આશરે 1700 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉત્પન્ન કરે છે. આ ડીશની ઊંચાઈ લગભગ સાત માળ જેટલી છે. તેજ પવનના સમયે સિસ્ટમ આપમેળે ડીશને રોકી દે છે
આ સમગ્ર સિસ્ટમ સંપૂર્ણપણે ઓટોમેટિક છે. એક કંટ્રોલ રૂમમાંથી માત્ર સ્થળનું લેટિટ્યુડ અને ખાલી જગ્યા દાખલ કરતાં જ સોફ્ટવેર આપમેળે સૂર્યની ગતિ અનુસાર ડીશને ફેરવે છે અને સ્ટીમનું તાપમાન તથા દબાણ નિયંત્રિત કરે છે. તેજ પવનના સમયે સિસ્ટમ આપમેળે ડીશને રોકી દે છે, જેથી કોઈ નુકસાન ન થાય. આ સિસ્ટમ IBR અપ્રૂવ્ડ છે અને ઓપરેટરને માત્ર દેખરેખ રાખવાની જરૂર પડે છે. ‘આશ્રમ નહીં પરંતુ સમગ્ર દેશ માટે લાભદાયક’
આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે રોટરી ક્લબ ઓફ બોમ્બે પિયર દ્વારા રૂ. 1.6 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. મુની સેવા આશ્રમ, રોટરી ક્લબ અને આપાર કેબલ કંપનીના CSR ફંડિંગના સહયોગથી આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે, જે માત્ર આશ્રમ નહીં પરંતુ સમગ્ર દેશ માટે લાભદાયક સાબિત થશે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!