ગુજરાત એસ.ટી.ના ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેનો 27 લાખ મુસાફરો પર પ્રભાવ પડશે. જેનો આજ મધરાતથી જ અમલ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, 28 માર્ચ, 2025ના રોજ ભાડામાં 10 ટકાનો વધારો કર્યો હતો(વાંચો સંપૂર્ણ અહેવાલ). આમ 9 મહિનામાં બીજીવાર ભાડા વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એટલે કે, ST નિગમ દ્વારા મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રીથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી 3% ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. લોકલ બસમાં 9 કિમી સુધી કોઈ વધારો નહીં, 10થી 60 કિમીમાં રૂ.1નો વધારો
લોકલ બસમાં 9 કિલો મીટર સુધીના મુસાફરોને કોઈ ભાડા વધારો લાગુ પડશે નહીં. જ્યારે 10થી 60 કિમીમાં રૂ.1નો વધારો કરવામાં આવ્યો છે. જેથી લોકલ સર્વિસમાં મુસાફરી કરતા મુસાફરો પર આ ભાડા વધારાની નહિવત અસર જ પડશે. 3084 ડ્રાઇવર અને 1658 હેલ્પરની ભરતી કરાશે
વર્ષ 2025-26ના બજેટમાંથી આગામી વર્ષમાં 206 નવીન બસો પ્રજાની સેવામાં મૂકવાનું આયોજન છે. આ ઉપરાંત 2320 કંડક્ટરની નિમણૂક કરવામાં આવી છે , જ્યારે ટૂંક સમયમાં 3084 ડ્રાઇવર અને 1658 હેલ્પરની નિમણૂંક થનાર છે. 7500 સ્માર્ટ E.T.M. સંચાલનમાં મુકાશે
અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગમાં 3000 સ્માર્ટ E.T.M. મશીન ફાળવીને બસની અંદર જ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાની શરૂઆત કરાઈ છે. ટૂંક સમયમાં અન્ય વિભાગોમાં 7500 સ્માર્ટ E.T.M. સંચાલનમાં મુકાશે. 8000 થી વધુ બસ અને 32 લાખ કિમીની મુસાફરી
ST નિગમ દૈનિક 8000 થી વધુ બસો દ્વારા 32 લાખથી વધુ કિ.મી.નું અંતર કાપીને 27 લાખ મુસાફરોને અસરકારક જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડે છે. છેલ્લા 14 માસમાં BS 6 પ્રકારની 1475 નવીન બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવી છે. જ્યારે પાછલા એક વર્ષમાં 13 બસ સ્ટેશનો અને ડેપોનું લોકાર્પણ કરાયું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત અદ્યતન બસપોર્ટ પણ કાર્યરત છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!