વર્ષોથી માર્ગની સમસ્યા છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ નહીં લાવાતા લોકોમાં રોષ

પાટણ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાકા રસ્તાઓની સમસ્યા હજુ યથાવત્ જોવા મળી રહી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા દર વર્ષે રસ્તાઓના નિર્માણ અને રિપેરીંગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ કેટલાક માર્ગોની ગુણવત્તા ચોમાસા દરમિયાન સામે આવી જાય છે. નવા બનેલા રસ્તાઓમાં પણ થોડા સમય બાદ ખાડા પડી જતાં વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે.

હારીજથી સંખેશ્વર વાયા મુજપુર-રૂણી તરફ જતો માર્ગ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી બિસ્માર હાલતમાં હોવાની સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે. માર્ગ પર ઠેરઠેર ખાડા અને તૂટેલી સપાટીના કારણે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને અજાણ્યા વાહનચાલકો માટે આ માર્ગ જોખમી સાબિત થઈ શકે છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ માર્ગ પરથી પસાર થતા વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. વાહનોના ટાયર, સસ્પેન્શન, પાટા સહિતના ભાગોમાં નુકસાન થવાની ફરિયાદો સામે આવી રહી છે. ગંભીર રીતે બીમાર દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જતી વખતે પણ આ માર્ગની ખરાબ સ્થિતિને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વારંવાર રજૂઆતો છતાં કાર્યવાહી ક્યારે?

રસ્તાની દયનીય સ્થિતિ અંગે સ્થાનિકો દ્વારા સંબંધિત તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કાયમી ધોરણે રસ્તાનું નવીનીકરણ કે જરૂરી ખાડા પુરવાની કામગીરી હાથ ધરાઈ નથી. હવે ચોમાસાની સિઝન પણ પસાર થઈ રહી છે ત્યારે તૂટેલા માર્ગના રિપેરીંગ માટે ટેન્ડર પ્રક્રિયા ક્યારે હાથ ધરાશે તેવો સવાલ ગ્રામજનો અને વાહનચાલકોમાં ઉઠી રહ્યો છે.

આ માર્ગ માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા પંચાયત હસ્તક હોવાનું જણાવાઈ રહ્યું છે. તેમ છતાં રસ્તાની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા અંગે તંત્ર દ્વારા ક્યારે ગંભીરતા દાખવવામાં આવશે તે ચર્ચાનો વિષય બન્યો છે.

લોટેશ્વર જતા યાત્રિકોને પણ મુશ્કેલી

આ માર્ગની નજીક પ્રસિદ્ધ લોટેશ્વર તીર્થધામ આવેલું છે. રાજ્ય સરકાર દ્વારા લોટેશ્વરનો પવિત્ર યાત્રાધામ બોર્ડમાં સમાવેશ કરી વિકાસ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. આવા સંજોગોમાં તીર્થધામ તરફ જતા માર્ગની સ્થિતિ સુધારવાની પણ સ્થાનિકોમાંથી માંગ ઉઠી રહી છે.

વાહનચાલકોનું કહેવું છે કે, રસ્તાની હાલતને કારણે અહીંથી પસાર થવું જોખમભર્યું બની ગયું છે. ખાડાઓથી ભરેલા માર્ગ પર વાહન ચલાવતી વખતે અકસ્માતનો ભય સતત રહે છે. તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી માર્ગનું રિપેરીંગ અથવા સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

હવે જોવાનું એ રહ્યું કે વર્ષોથી બિસ્માર બનેલા હારીજ-સંખેશ્વર વાયા મુજપુર-રૂણી માર્ગના રિપેરીંગ માટે તંત્ર ક્યારે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરે છે અને વાહનચાલકોને ક્યારે રાહત મળે છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!