સમયસર બનેલા કાર્ડથી ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં થઈ નિઃશુલ્ક હૃદય સર્જરી

ભચાઉ તાલુકાના સામખીયારી ગામના ૪૯ વર્ષીય રામજીભાઈ પાંચાભાઈ પ્રજાપતિ માટે આયુષ્માન કાર્ડ મુશ્કેલીના સમયે સંજીવની સમાન સાબિત થયું છે. હૃદયરોગની ગંભીર તકલીફ બાદ જરૂરી બનેલી સર્જરીનો મોટો ખર્ચ પરિવાર માટે ચિંતારૂપ હતો, પરંતુ સમયસર બનાવેલું આયુષ્માન કાર્ડ મોટી રાહત બની રહ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ, રામજીભાઈને હૃદયરોગનું નિદાન થયા બાદ તબીબોએ સર્જરીની સલાહ આપી હતી. સર્જરીનો ખર્ચ પરિવાર માટે મોટો આર્થિક બોજ બની શકે તેમ હતો. પરંતુ સામખીયારી-૩ આયુષ્માન આરોગ્ય મંદિર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામખીયારીના આરોગ્ય સ્ટાફ દ્વારા અગાઉ ઝુંબેશ દરમિયાન તેમનું આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવ્યું હોવાથી સારવાર માટેનો માર્ગ સરળ બન્યો. જેના આધારે ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં PM-JAY યોજના હેઠળ તેમની સંપૂર્ણ નિઃશુલ્ક હૃદય સર્જરી કરવામાં આવી હતી. સારવાર દરમિયાન પરિવારને કોઈપણ પ્રકારનો ખર્ચ ભોગવવો પડ્યો ન હતો.
સફળ સર્જરી બાદ રામજીભાઈ હાલ સંપૂર્ણ સ્વસ્થ છે. તેમણે આયુષ્માન ભારત યોજના બદલ સરકારશ્રી તથ આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. રામજીભાઈની આ સફળતા એ વાતનું જીવંત ઉદાહરણ છે કે, આયુષ્માન કાર્ડ માત્ર એક કાર્ડ નથી, પરંતુ જરૂરિયાતના સમયે પરિવાર માટે આરોગ્ય અને આર્થિક સુરક્ષાનું મજબૂત કવચ છે. સમયસર કાર્ડ બની ગયું હોવાથી ગંભીર હૃદયરોગની સારવારનો ખર્ચ પરિવારની આર્થિક સ્થિતિ પર ભાર બન્યો નહીં અને રામજીભાઈને સમયસર ગુણવત્તાસભર સારવાર મળી.
The Gujarat Live News અહેવાલ By રામજી પ્રજાપતિ સામખયારી
