સમી તાલુકાના ભદ્રાડા ગામની ઘટના : ફરજ સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

પાટણ જિલ્લાના સમી તાલુકાના ભદ્રાડા ગામે બનેલા બાઈક અકસ્માતમાં 108 ઈમરજન્સી સેવાની ટીમે માત્ર ઈજાગ્રસ્ત યુવકને સમયસર સારવાર અપાવી હોસ્પિટલ પહોંચાડ્યો જ નહીં, પરંતુ તેની પાસેથી મળી આવેલી આશરે રૂ. 3 લાખની કિંમતી ચીજવસ્તુઓ પણ સુરક્ષિત રાખી સગાને પરત કરીને ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ભદ્રાડા ગામે વિદ્યુત બોર્ડની સામે બાઈક અકસ્માતમાં પાટણના અમિતભાઈ મહેન્દ્રભાઈ પ્રજાપતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં બાસ્પા લોકેશનની 108 એમ્બ્યુલન્સના EMT અલકા મકવાણા અને પાયલટ સુરેશ ચાવડા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

અકસ્મતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટીમે ઈજાગ્રસ્ત અમિતભાઈને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. અકસ્માત સમયે અમિતભાઈ બેભાન હોવાથી તેમની સાથે કોઈ સગા હાજર નહોતા.

આ દરમિયાન 108ની ટીમને અમિતભાઈ પાસેથી સોનાની ચેન, સોનાની વીંટી અને બે મોબાઈલ ફોન સહિતની કિંમતી ચીજવસ્તુઓ મળી આવી હતી. પેશન્ટના સગા ઘટનાસ્થળે પહોંચે ત્યાં સુધી EMT અલકા મકવાણા અને પાયલટ સુરેશ ચાવડાએ આશરે દસ મિનિટ રાહ જોઈ તમામ સામાન પોતાની જવાબદારી હેઠળ સુરક્ષિત રાખ્યો હતો.

થોડા સમય બાદ અમિતભાઈના સગા ચેતનભાઈ પ્રજાપતિ ઘટનાસ્થળે પહોંચતા 108ની ટીમે તમામ કિંમતી ચીજવસ્તુઓ તેમને પરત કરી હતી. આશરે રૂ. 3 લાખની કિંમતનો સામાન કોઈપણ જાતના લોભ વિના સુરક્ષિત રીતે પરત કરી ટીમે પોતાની ફરજ સાથે માનવતા અને પ્રમાણિકતાનો પરિચય આપ્યો હતો.

અકસ્મતની વિકટ પરિસ્થિતિમાં પેશન્ટની સારવારની સાથે તેની કિંમતી ચીજવસ્તુઓની પણ જવાબદારી નિભાવનાર EMT અલકા મકવાણા અને પાયલટ સુરેશ ચાવડાની આ કામગીરીની પરિવારજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!