50થી વધુ લોકોના ટોળાએ પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી; PSI એચ.વી. ચૌધરી સહિત પોલીસકર્મીઓને ઈજા

ગુજરાતી ગાયિકા કિંજલ રબારીના અપહરણના આક્ષેપ બાદ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાનું સીનાડ ગામ ચર્ચામાં આવ્યું છે. સમગ્ર મામલે તંગદિલી ન સર્જાય તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન સોમવારે લાખનેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જતા લોકોને રોકવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. આ દરમિયાન 50થી 60 જેટલા લોકોના ટોળાએ પોલીસ સાથે ઝપાઝપી કરી હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે.

રાધનપુર પોલીસ સ્ટેશનના PSI એચ.વી. ચૌધરીના જણાવ્યા મુજબ, સોમવાર અને અગિયારસના દિવસે લાખનેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જતા ચૌધરી સમાજના કેટલાક લોકોને દેસાઈ સમાજના કેટલાક લોકો દ્વારા રોકવામાં આવી રહ્યા હતા. ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ લોકોને સમજાવી તમામ શ્રદ્ધાળુઓને શાંતિપૂર્વક દર્શન કરવા દેવા અપીલ કરી હતી.

આ દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો અને મહિલાઓ સહિત 50થી 60 જેટલા લોકોનું ટોળું એકત્ર થઈ પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરવા લાગ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ ટોળા દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે DYSP, PI સહિત પોલીસનો બંદોબસ્ત હાજર હોવા છતાં સ્થિતિ તંગ બની હતી.

હુમલાની ઘટનામાં PSI એચ.વી. ચૌધરી સહિત અન્ય પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને વધુ સારવાર માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

કિંજલ રબારીના અપહરણના આક્ષેપથી મામલો ગરમાયો

આ સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિમાં ગુજરાતી સિંગર કિંજલ રબારીને લઈને થયેલો વિવાદ મુખ્ય કારણ તરીકે સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, અગાઉ કિંજલ રબારી સાથે મૈત્રી કરારથી રહેતા નરસિંહ ઉર્ફે મુકેશ દેસાઈ નામના યુવકે અમદાવાદ પોલીસને ફોન કરી કિંજલનું અજાણ્યા લોકો દ્વારા કારમાં અપહરણ કરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

પોલીસે ઘટનાની તપાસ દરમિયાન CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં કિંજલ રબારી પોતાની જાતે કારમાં બેસતી હોવાનું દૃશ્ય સામે આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે.

કિંજલનો વીડિયો સામે આવતા અપહરણના દાવા પર સવાલો

અપહરણના આક્ષેપો વચ્ચે કિંજલ રબારીનો વીડિયો પણ સામે આવ્યો હતો. વીડિયોમાં કિંજલે પોતાનું અપહરણ થયું હોવાની વાતનો ઈનકાર કરી તે પોતાની ઇચ્છાથી પતિ અશોક ચૌધરી પાસે ગઈ હોવાનું જણાવ્યું હતું.

આ વીડિયો બાદ સમગ્ર મામલે નવા વળાંકો આવ્યા હતા અને બંને પક્ષના દાવાઓને લઈને ચર્ચા શરૂ થઈ હતી.

સીનાડમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

કિંજલ રબારીના મામલા બાદ સીનાડ ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ પર હુમલાની ઘટના બાદ ગામમાં સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!