રાધનપુર તાલુકાના ભાડિયા ગામમાં ભારે વરસાદ બાદ સર્જાયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા રાધનપુર નગરસેવક જયાબેન ઠાકોરના નેતૃત્વમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળે ગામની મુલાકાત લીધી હતી. તેમની સાથે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભેમાજી ઠાકોર, ગામના અગ્રણી દેવાજી ઠાકોર, કોંગ્રેસ કાર્યકર રત્નાભાઈ રબારી સહિત અન્ય કાર્યકરો પણ હાજર રહ્યા હતા.

પ્રતિનિધિમંડળે ગામના ઠાકોરવાસ, રબારીવાસ, બજાણીયાવાસ સહિતના વિસ્તારો તેમજ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વરસાદથી થયેલા નુકસાનની માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન અનેક ખેતરોમાં ધોવાણ, ઘરવખરીને નુકસાન, પશુઓના મૃત્યુ, કેટલાક રહેણાંક મકાનો ધરાશાયી થવા તેમજ શાળાની એક દીવાલ તૂટી પડવાની ઘટના સામે આવી હતી.
નગરસેવક જયાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, કુદરતી આફતના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતો, પશુપાલકો અને પરિવારોને યોગ્ય વળતર તેમજ સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવશે.
કોંગ્રેસના આગેવાનોએ પણ રાજ્ય સરકારને અપીલ કરી હતી કે વરસાદી આપત્તિથી થયેલા નુકસાનનું વહેલી તકે મૂલ્યાંકન કરીને અસરગ્રસ્ત લોકોને ઝડપથી રાહત અને પુનર્વસનની સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
