સાંતલપુર-રાધનપુરમાં ૨૨ ટીમોની સઘન પેટ્રોલિંગ કામગીરીથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરી વીજળી ઝળહળી
પાટણ જિલ્લાના સાંતલપુર તથા રાધનપુર તાલુકામાં તા. ૨૩-૦૭-૨૦૨૬ પછી પડેલા ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજ માળખાને નુકસાન થતાં ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જોકે, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (યુજીવીસીએલ) દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી કામગીરીના પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોમાં ગણતરીના કલાકોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં સફળતા મળી હતી.

રાધનપુર વિભાગીય કચેરી હેઠળના વારાહી પેટા વિભાગમાં સાંતલપુર તાલુકાના કુલ ૭૧ ગામોમાંથી દાત્રાના, વૌવા, મધુત્રા, જાખોત્રા, એવાલ, રોજુ, પીપારાલા, પર અને રાજુસરા સહિત ૯ ગામો તેમજ રાધનપુર તાલુકાના કુલ ૫૬ ગામોમાંથી ડેલાના, કમાલપુર, ગુલાબપુરા, અલહાબાદ, વિજયનગર અને ગોતરકા સહિત ૬ ગામો વરસાદી પાણીથી ઘેરાઈ ગયા હતા. જેના કારણે વીજ પુરવઠાની પુનઃસ્થાપના કામગીરીમાં અનેક પડકારો ઊભા થયા હતા.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાધનપુર વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરશ્રીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. સાંતલપુર તાલુકામાં કોન્ટ્રાક્ટરની ૪ ટીમો અને રાધનપુર તાલુકામાં ૫ ટીમો તૈનાત કરીને ક્ષતિગ્રસ્ત વીજ પોલ ઊભા કરવા, વીજ લાઈનોનું સમારકામ કરવા તથા વીજ પુરવઠો વહેલી તકે શરૂ કરવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત, યુજીવીસીએલના લાઇન સ્ટાફ દ્વારા સાંતલપુર તાલુકામાં ૧૦ અને રાધનપુર તાલુકામાં ૧૨ એમ કુલ ૨૨ ટીમો સતત લાઇન પેટ્રોલિંગ, ખામી શોધવા અને જરૂરી મરામતની કામગીરીમાં જોડાઈ હતી.
આ કામગીરી દરમિયાન સાંતલપુર તાલુકામાં ૬ નીચા દબાણ (LT)ના તથા ૧૨ ઊંચા દબાણ (HT)ના પોલનું સમારકામ કરવામાં આવ્યું હતું. જ્યારે રાધનપુર તાલુકામાં ૨ નીચા દબાણ (LT)ના અને ૨ ઊંચા દબાણ (HT)ના પોલનું સમારકામ કરવામાં આવ્યું હતું. આમ કુલ ૨૨ વીજ પોલનું સમારકામ પૂર્ણ કરીને અસરગ્રસ્ત ગામોમાં વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.
સમગ્ર કામગીરી દરમિયાન યુજીવીસીએલ દ્વારા ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખીને માઇક્રો લેવલ પર સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. ભારે વરસાદ, કાદવ અને પ્રતિકૂળ હવામાન જેવી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ અધિકારીઓ, ઇજનેરો, લાઇન સ્ટાફ અને કોન્ટ્રાક્ટર ટીમોએ દિવસ-રાત અવિરત મહેનત કરીને મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારોમાં ગણતરીના કલાકોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં સફળતા મેળવી હતી.
કંપનીના ઉચ્ચ અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને કામગીરી પર સતત દેખરેખ રાખી હતી, જેના કારણે કામગીરીમાં ઝડપ અને અસરકારક સંકલન જળવાઈ રહ્યું હતું.
યુજીવીસીએલના અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર ટીમોની સમયબદ્ધ, સંકલિત અને જનહિતલક્ષી કામગીરીના પરિણામે અસરગ્રસ્ત ગામોમાં વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત થતાં સ્થાનિક નાગરિકોને મોટી રાહત મળી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
