ગુજરાતના ગ્રામસેવકોના પડતર પ્રશ્નો હવે આંદોલનના તબક્કે પહોંચી ગયા છે. ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળે 13 જેટલી વિવિધ માંગણીઓને લઈને રાજ્યવ્યાપી તબક્કાવાર આંદોલનની જાહેરાત કરી છે.

સરકારને આપવામાં આવેલા અલ્ટિમેટમ બાદ પણ પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ ન આવતા ગ્રામસેવકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હોવાનું મહામંડળે જણાવ્યું છે.

ગ્રામસેવકોનો મુખ્ય આક્ષેપ છે કે તેમના મૂળ જોબચાર્ટ સિવાય અન્ય કેડરની કામગીરી પણ તેમની પાસેથી કરાવવામાં આવી રહી છે. Digital Crop Survey, PM-Kisan eKYC, GCES એપ્લિકેશન મારફતે પાક કાપણીના અખતરા અને Farmer Registry જેવી કામગીરીના વધતા ભાર સામે ગ્રામસેવકોએ નારાજગી વ્યક્ત કરી છે.

મહામંડળના જણાવ્યા મુજબ, વધારાની કામગીરીના કારણે ગ્રામસેવકોની મૂળભૂત કૃષિ વિસ્તરણ સેવા અને ખેડૂતોને માર્ગદર્શન આપવાની કામગીરીને અસર થઈ રહી છે. અનેક વિસ્તારોમાં એક ગ્રામસેવકને 8થી 10 ગામની જવાબદારી સોંપાયેલી હોવાથી માનવબળની અછતનો પ્રશ્ન પણ ગંભીર બન્યો હોવાનું સંગઠનનું કહેવું છે.

13 માંગણીઓમાં જોબચાર્ટથી લઈને ગ્રેડ-પે સુધીના મુદ્દા

ગ્રામસેવક મહામંડળે અન્ય કેડરના જોબચાર્ટની કામગીરી ગ્રામસેવકો પાસે ન કરાવવાની અને ગ્રામસેવકોની ફરજ, જવાબદારી તથા કામગીરી અંગે સ્પષ્ટ જોબચાર્ટ જાહેર કરવાની માંગ કરી છે.

સાથે જ 1થી 2 ગામ દીઠ એક ગ્રામસેવકની નવી જગ્યા ઉભી કરવા, બંધ થયેલી પ્રમોશનની તકો પુનઃ શરૂ કરવા અને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં 4200 ગ્રેડ-પેનો લાભ આપવાની માંગ પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઈન્ટરનેટ જેવી જરૂરી સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવવા અથવા તેના બદલામાં યોગ્ય ભથ્થું આપવા, CETA/ટ્રાવેલિંગ એલાઉન્સમાં વધારો કરવા તથા ગ્રામસેવક કેડરને વિશેષ ભથ્થું આપવાની માંગ છે.

ગ્રામસેવક કેડરને પંચાયત તંત્રમાંથી કૃષિ વિભાગના વહીવટી માળખામાં સમાવેશ કરવાની માંગ પણ મહામંડળે કરી છે.

આંદોલનના તબક્કા

મહામંડળના જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આંદોલન તબક્કાવાર આગળ વધારવામાં આવશે:

8 સપ્ટેમ્બર: કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
10 સપ્ટેમ્બર: જિલ્લા કક્ષાએ આવેદનપત્ર
14 સપ્ટેમ્બર: સરકારી વોટ્સએપ ગ્રૂપમાંથી લેફ્ટ
21 સપ્ટેમ્બર: તમામ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર
25 સપ્ટેમ્બર: પેન ડાઉન
1 ઓક્ટોબર: માસ સી.એલ.
2 ઓક્ટોબરથી: અચોક્કસ મુદતની રાજ્યવ્યાપી હડતાળ

ગ્રામસેવક મહામંડળે જણાવ્યું છે કે તેઓ અત્યાર સુધી સંવાદ અને શિસ્તના માર્ગે પ્રશ્નો ઉકેલાવવાનો પ્રયાસ કરતા આવ્યા છે. જોકે, આગામી દિવસોમાં સરકાર તરફથી બેઠક યોજીને માંગણીઓ અંગે હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી છે. તાજેતરના અહેવાલોમાં પણ 2 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળની ચેતવણીનો ઉલ્લેખ થયો છે.

ગ્રામસેવકોના આંદોલનની અસર કૃષિ સંબંધિત કામગીરી અને ગ્રામ્ય સ્તરની વહીવટી પ્રક્રિયા પર પડી શકે છે. હવે સરકાર અને ગ્રામસેવક મહામંડળ વચ્ચે ચર્ચાથી કોઈ સમાધાનનો માર્ગ નીકળે છે કે આંદોલન હડતાળ સુધી પહોંચે છે, તેના પર સૌની નજર છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!