રહેવાસીઓ પરેશાન, અકસ્માતની ભીતિ
સાંતલપુર અને વારાહી વિસ્તારમાં નેશનલ હાઈવે પર આવેલી ભૂગર્ભ ગટર લાઈનો લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક નાગરિકો મુશ્કેલીના સામનો કરી રહ્યા છે.

નેશનલ હાઈવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલી આ ગટરોની યોગ્ય સફાઈ ન થવાથી ગટરના પાણી વારંવાર ઓવરફ્લો થઈ માર્ગ પર ફેલાઈ જાય છે.
કેટલાક સ્થળોએ તો ગટરો ખુલ્લી હાલતમાં જોવા મળતા અકસ્માતની શક્યતા પણ વધી રહી છે.
સાંતલપુર ખાતે નેશનલ હાઈવેના બંને સાઈટમાં ગટર લાઈન નાખવામાં આવી છે,
પરંતુ અનેક સ્થળોએ ગટરનાં ઢાંકણું તૂટેલાં અથવા ગટર ખુલ્લી જોવા મળી રહી છે.
વરસાદી મોસમ વિતી ગયાં બાદ પણ ગટરની યોગ્ય સફાઈ ન થતાં પાણી માર્ગ પર વહી રહી ગયું છે, જેના કારણે રોજિંદી અવરજવર કરતા લોકો, દુકાનદારો અને સ્કૂલ–કોલેજના વિદ્યાર્થીઓને ભારે હાલાકી અનુભવી પડે છે.
વારાહી ખાતે સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે.
શાંતિનગર અને ગોકુલનગર સોસાયટી નજીક આવેલી નેશનલ હાઈવેની ગટરો ખુલ્લી હોઈ રહેવાસીઓને ઘરે થી બહાર નીકળવામાં પણ જોખમ ઊભું થયું છે.
ગટરોની ખુલ્લી સ્થિતિને કારણે
ટું –વ્હીલર વાહનચાલકો માટે તો માર્ગ સંપૂર્ણ જોખમી બની ગયો છે.
રાત્રિ દરમિયાન અંધારામાં આ ગટર ખાડાઓ અકસ્માતને આમંત્રણ આપે તેવી સ્થિતિ સર્જાઈ છે.
સ્થાનિક લોકોના આક્ષેપ છે કે નેશનલ હાઈવે વિભાગ અનેક વખત રજૂઆત છતાં સુધારાત્મક કાર્યવાહી કરી રહ્યું નથી. પરિણામે રહેવાસીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે.
લોકોની મુખ્ય માંગ છે કે હાઈવેની સમગ્ર ગટર લાઈનની તાત્કાલિક સફાઈ, સમારકામ અને ખુલ્લી ગટરોને સુરક્ષિત રીતે બંધ કરવામાં આવે.
સ્થાનિક નાગરિકોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે,
“જો ગટરોની હાલત આવી જ રહે, તો આવનારા દિવસોમાં આરોગ્ય સમસ્યાઓ અને અકસ્માતના બનાવોમાં વધારો જોવા મળી શકે છે. વિભાગ તાત્કાલિક પગલાં ભરે એ અમારી મુખ્ય માંગ છે.”
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
