ગાંધીધામમાં પ્રસ્તાવિત આજીવન વાહન વેરા સામે વિરોધનો સૂર; પ્રસ્તાવ પરત ખેંચવાની માંગ
હરેશ રાધુ હેઠવાડીયાએ મ્યુનિસિપલ કમિશનરને કરી રજૂઆત; નાગરિકો પર વધારાનો કર બોજ ન નાખવા અપીલ
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા હદ વિસ્તારમાં વાહનો પર આજીવન વ્હીકલ ટેક્સ (વાહન વેરો) નાખવાના પ્રસ્તાવિત જાહેરનામા સામે શહેરીજનો અને સામાજિક વર્તુળોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
આ સંદર્ભે સામાજિક અને યુવા અગ્રણી શ્રી હરેશ રાધુ હેઠવાડીયા દ્વારા મ્યુનિસિપલ કમિશનરશ્રીને લેખિતમાં સખત વાંધો નોંધાવવામાં આવ્યો છે.
પાલિકાના આ પ્રસ્તાવ સામે મુખ્યત્વે નીચે મુજબના ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે:
ડબલ ટેક્સેશન (બેવડો કરવેરો): નાગરિકો વાહન ખરીદી વખતે પહેલેથી જ જી.એસ.ટી. (GST), રોડ ટેક્સ અને લાઈફ ટાઈમ ટેક્સ કેન્દ્ર કે રાજ્ય સરકારને ચૂકવી ચૂક્યા છે, ત્યારે સ્થાનિક સ્તરે ફરીથી આજીવન વેરો નાખવો તે પ્રજા પર અયોગ્ય અને બેવડું આર્થિક ભારણ છે.
વહીવટી ખર્ચમાં કાપની જરૂરિયાત: પ્રજા પર નવો કર નાખીને આવક ઊભી કરવાના બદલે પાલિકાએ પોતાના બિનજરૂરી ખર્ચાઓ જેવા કે સરકારી વાહનોના ઇંધણ પાછળનો ખર્ચ, એસી કચેરીઓના વીજ બિલ, જાહેરાતો અને અન્ય વિલાસી ખર્ચાઓ પર તુરંત રોક લગાવવી જોઈએ.
પદાધિકારીઓના ભથ્થાંની સમીક્ષા: જ્યાં સુધી પાલિકાની નાણાકીય સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી ચૂંટાયેલા કોર્પોરેટરો અને હોદ્દેદારોએ પોતાના માનદવેતન, બેઠક ભથ્થાં અને વિશેષ સગવડોનો ત્યાગ કરવો જોઈએ અથવા સ્વૈચ્છિક મોટો ઘટાડો કરીને જનતા સમક્ષ બચતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવું જોઈએ.
કાયદાકીય અને વ્યવહારુ પક્ષ: કલમો અંતર્ગત સત્તા હોવા છતાં, જનતાની વર્તમાન આર્થિક સ્થિતિની યોગ્ય સમીક્ષા કર્યા વગર અચાનક આ પ્રકારે પ્રજા પર આર્થિક બોજ ઝીંકવો તદ્દન અનુચિત છે.
મુખ્ય માંગણીઓ:
૧. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વ્હીકલ ટેક્સ વસૂલવા અંગેનો પ્રસ્તાવ સંપૂર્ણપણે રદ કરવામાં આવે.
૨. નાગરિકો પર ટેક્સનો બોજ નાખવાને બદલે પાલિકા પોતાના વહીવટી ખર્ચા ઘટાડે અને આંતરિક આવકનું યોગ્ય આયોજન કરે.
જનહિતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા આ પ્રસ્તાવને ત્વરિત પાછો ખેંચે તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
