માત્ર 9 ઇંચ વરસાદમાં હાઈવે ચાર રસ્તા, બસ ડેપો રોડ, મુખ્ય બજાર અને ગંજ રોડ બિસ્માર; નાગરિકોમાં રોષ, કાયમી ઉકેલની માંગ તેજ

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ નગરપાલિકાની વરસાદ પૂર્વેની તૈયારીઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અંદાજે માત્ર 9 ઇંચ વરસાદ બાદ જ શહેરના અનેક મુખ્ય માર્ગો પર મોટા ખાડા પડી ગયા છે, જ્યારે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી લાંબા સમય સુધી ભરાઈ રહેતાં જનજીવન પ્રભાવિત બન્યું છે.

હાઈવે ચાર રસ્તા, બસ ડેપો રોડ, મુખ્ય બજાર, ગંજ રોડ સહિતના મુખ્ય માર્ગો પર વરસાદી પાણીના કારણે રોડનું ધોવાણ થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સ્થળોએ રસ્તાઓ પર મસમોટા ગાબડાં પડતાં અકસ્માતનો ભય પણ સતત વધી રહ્યો છે.

શહેરમાં પ્રવેશતા બહારગામના લોકો પણ માર્ગોની દયનીય સ્થિતિ જોઈ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોમાં “રાધનપુર હવે સાંસ્કૃતિક નગરી નહીં, પરંતુ ખાડાનગરી બની રહ્યું છે” એવી ચર્ચાઓ જોર પકડી રહી છે.

હાઈવે ચાર રસ્તા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બનતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. વાહનોની લાંબી કતારો, ઇંધણનો વ્યય અને લોકોને થતી હાલાકી રોજિંદી બાબત બની ગઈ છે. વેપારીઓનું પણ કહેવું છે કે પાણી ભરાવા અને ખરાબ રસ્તાઓના કારણે ગ્રાહકોની અવરજવર પર અસર પડી રહી છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક સ્ટોર્મ વોટર ડ્રેનેજની સુવિધાનો અભાવ છે. દર વર્ષે ચોમાસા દરમિયાન આવી જ સ્થિતિ સર્જાય છે, છતાં સમસ્યાના કાયમી ઉકેલને બદલે માત્ર કામચલાઉ સમારકામ કરવામાં આવે છે.

તાજેતરમાં તૈયાર કરાયેલા કેટલાક પેવર બ્લોક માર્ગો પણ થોડા વરસાદમાં જ બેસી જવાના અને ઊખડી જવાના બનાવો સામે આવતા વિકાસ કાર્યોની ગુણવત્તા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. નાગરિકોનું માનવું છે કે ગુણવત્તાયુક્ત કામગીરી અને યોગ્ય દેખરેખ રાખવામાં આવી હોત તો આ સ્થિતિ સર્જાત નહીં.

હવે શહેરના નાગરિકો, અને વાહનચાલકોની એક જ માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવાની સાથે વરસાદી પાણીના નિકાલ માટે કાયમી આયોજન કરે અને શહેરના મુખ્ય માર્ગોનું ગુણવત્તાસભર પુનઃનિર્માણ કરે. રાધનપુરની ઓળખ વિકાસશીલ શહેર તરીકે જળવાઈ રહે અને ચોમાસા દરમિયાન નાગરિકોને દર વર્ષે આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે જવાબદાર તંત્ર અસરકારક પગલાં ભરે તેવી લોકમાગ ઉઠી રહી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!