રાપરના નાગતર ગામમાં રસ્તા અને પુલના અભાવે ફરી તંત્રની બેદરકારી સામે આવી; ગ્રામજનોમાં ભારે રોષ

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના નાગતર ગામમાં ચોમાસાની વિકટ સ્થિતિ વચ્ચે એક પ્રસુતાને હોસ્પિટલ પહોંચાડવા માટે પરિવારજનો અને ગ્રામજનોએ જીવના જોખમે ધસમસતી નદી પાર કરવાની ફરજ પડી હતી. માર્ગ અને પુલના અભાવે સર્જાયેલી આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવનો ગંભીર પ્રશ્ન ફરી એકવાર ઉજાગર કર્યો છે.
ગામના રહેવાસી મનીષભાઈ ઠાકોરની પત્ની આશાબેનને સાંજના સમયે પ્રસુતિની પીડા શરૂ થતાં પરિવારજનોએ તરત જ 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. 108ની ટીમે વિવિધ માર્ગો મારફતે ગામ સુધી પહોંચવાના પ્રયાસો કર્યા, પરંતુ ભારે વરસાદ, ફલકું નદીમાં આવેલા પૂર અને અન્ય જળપ્રવાહોને કારણે કોઈ પણ રસ્તો ખુલ્લો ન હોવાથી એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહોતી.
આખરે પરિવારજનોએ ટ્રેક્ટરની મદદથી આશાબેનને કરકલીયા નદીના ધસમસતા પાણીમાંથી પસાર કરી સામે કાંઠે ઉભેલી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા. ત્યારબાદ તેમને પલાસવા હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં લગભગ સાડા ચાર કલાકના સંઘર્ષ બાદ આશાબેને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો.
પ્રસુતિ બાદ પણ મુશ્કેલીઓ યથાવત રહી હતી. માતા અને નવજાતને ઘરે પરત લાવવા આવેલા સરકારી ‘ખિલખિલાટ’ વાહનને પણ પૂરના પાણીના કારણે વચ્ચે જ રોકાવું પડ્યું. પરિણામે પરિવારજનોએ ખાનગી વાહનની વ્યવસ્થા કરીને ભારે મુશ્કેલી વચ્ચે માતા અને બાળકને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા.
ગ્રામજનોના જણાવ્યા મુજબ નાગતર ગામમાં વર્ષોથી રસ્તા અને પુલની સમસ્યા યથાવત છે. વર્ષ 2015ના પૂર દરમિયાન આખું ગામ ખાલી કરાવવું પડ્યું હતું, જ્યારે ગયા વર્ષે પણ એક દર્દીને સારવાર માટે ગ્રામજનોએ ખભા પર ઊંચકીને નદી પાર કરાવી હતી. તેમ છતાં આજદિન સુધી કાયમી ઉકેલ આવ્યો નથી.
આશરે 186 પરિવારો ધરાવતા નાગતર ગામમાં રોડ અને પુલના કામો મંજૂર થયા હોવા છતાં કામગીરી શરૂ ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સરકાર સમક્ષ સણવા-નાગતર વચ્ચે ફલકું નદી પર ઊંચો પુલ તેમજ લાખાગઢ તરફ પાકા રસ્તાનું નિર્માણ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે, જેથી દર ચોમાસે લોકોને જીવના જોખમે મુસાફરી કરવાની ફરજ ન પડે.
The Gujarat Live News રાપર કચ્છ
