પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં OBC, SC અને ST જાતિ પ્રમાણપત્ર મેળવવા ઇચ્છતા અરજદારોને સોગંદનામું રજૂ કરવાની માંગણી કરવામાં આવતી હોવાના આક્ષેપથી ચર્ચા શરૂ થઈ છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ભચાભાઈ આહીરે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે યોગ્ય તપાસ અને સ્પષ્ટ સૂચનાઓ આપવા માંગ કરી છે.
ભચાભાઈ આહીરના જણાવ્યા મુજબ, જાતિ પ્રમાણપત્ર માટેની કામગીરીમાં નિયમિત દસ્તાવેજો સાથે કેટલીક પરિસ્થિતિમાં જ એફિડેવિટની જરૂરિયાત હોવી જોઈએ. પરંતુ સામાન્ય અરજીઓમાં પણ સોગંદનામું માંગવામાં આવતું હોય તો અરજદારોને નોટરી કરાવવા માટે વધારાનો ખર્ચ કરવો પડે છે તેમજ કચેરીના વારંવાર ધક્કા ખાવાની સ્થિતિ સર્જાય છે.
રજૂઆતમાં ખાસ કરીને અરજદાર, પિતા કે દાદાના નામ, અટક અથવા પેટાજાતિ અંગે દસ્તાવેજોમાં તફાવત હોય તેવા કિસ્સામાં જરૂરી તપાસ બાદ એફિડેવિટ માંગવામાં આવે તેવી વાત કરવામાં આવી છે. જ્યારે દસ્તાવેજોમાં કોઈ વિસંગતતા ન હોય તેવા સામાન્ય કેસોમાં બિનજરૂરી સોગંદનામાની પ્રક્રિયા ટાળવા માંગ કરવામાં આવી છે.
કોંગ્રેસ નેતા દ્વારા જિલ્લા વહીવટી તંત્રને સાંતલપુર તાલુકાની સંબંધિત કચેરીઓને સ્પષ્ટ માર્ગદર્શિકા આપવા પણ અપીલ કરવામાં આવી છે. અરજદારોને નિયમોની સ્પષ્ટતા મળે અને અનાવશ્યક ખર્ચ, સમય તથા ધક્કામાંથી મુક્તિ મળે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
