પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો પાટણ સહિત રાજ્યભરમાં બિનઅધિકૃત કામગીરીથી દૂર રહેવાની ચીમકી

પાટણ ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી યોજનાઓના અમલીકરણમાં મહત્વની ભૂમિકા ભજવતા ગ્રામસેવકો હવે પોતાની સમસ્યાઓને લઈને આંદોલનના મૂડમાં આવ્યા છે. વધતી કામગીરી, કર્મચારીઓની અછત અને અન્ય વિભાગોના કામનું વધારાનું ભારણ હોવાના મુદ્દે ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળે સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરી સાત દિવસમાં ઉકેલ લાવવાની માંગ કરી છે.

ગ્રામસેવકોના જણાવ્યા પ્રમાણે, મહેકમની અછતના કારણે એક ગ્રામસેવકને અનેક ગામોની જવાબદારી સંભાળવી પડે છે. જેના કારણે નિયમિત કામગીરીની સાથે ખેડૂતોને લગતી વિવિધ યોજનાઓનું અમલીકરણ અને સરકારી ઓનલાઈન કામગીરીનું દબાણ પણ વધી રહ્યું છે.

ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન આધારિત કામગીરી માટે જરૂરી સ્માર્ટફોન, કમ્પ્યુટર, ઈન્ટરનેટ જેવી સુવિધાઓ પૂરતી ન મળતી હોવાનો મુદ્દો પણ રજૂઆતમાં ઉઠાવવામાં આવ્યો છે. કર્મચારીઓએ પોતાના ખર્ચે જરૂરી સાધનો અને ઈન્ટરનેટની વ્યવસ્થા કરવી પડતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

પાટણ જિલ્લા ગ્રામસેવક મંડળે જણાવ્યું છે કે વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો અંગે હવે સરકાર દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે. સાત દિવસની સમયમર્યાદામાં સરકાર દ્વારા બેઠક યોજી પ્રશ્નોના લેખિત ઉકેલની ખાતરી નહીં આપવામાં આવે તો રાજ્યભરના ગ્રામસેવકો અન્ય કેડરને લગતી બિનઅધિકૃત કામગીરીનો બહિષ્કાર કરશે અને ત્યારબાદ આંદોલન શરૂ કરવામાં આવશે.

ગ્રામસેવકોની કામગીરીમાં અવરોધ ઊભો થાય તો ખેડૂતોને લગતી વિવિધ સરકારી સેવાઓ પર તેની અસર થવાની શક્યતા છે. ખાસ કરીને i-Khedut પોર્ટલ પર યોજનાઓની અરજીઓનું સ્થળ નિરીક્ષણ અને ચકાસણી, પાક નુકસાની સર્વે, પાક કાપણી અખતરા, ડિજિટલ ક્રોપ સર્વે તથા ફાર્મર રજિસ્ટ્રી જેવી કામગીરીમાં વિલંબ થઈ શકે છે.

શું છે ગ્રામસેવકોની મુખ્ય માંગ?

અન્ય વિભાગોની બિનઅધિકૃત કામગીરીનું ભારણ દૂર કરવામાં આવે.
ગામોની સંખ્યા પ્રમાણે ગ્રામસેવકોનું મહેકમ વધારવામાં આવે.
ગ્રામસેવક સંવર્ગના વહીવટી માળખામાં જરૂરી ફેરફાર કરવામાં આવે.
ઓનલાઈન કામગીરી માટે સ્માર્ટફોન અને કમ્પ્યુટર સહિતની સુવિધા અથવા યોગ્ય ભથ્થું આપવામાં આવે.
મુસાફરી ભથ્થામાં વધારો કરવામાં આવે.

હવે સાત દિવસની સમયમર્યાદામાં સરકાર તરફથી શું નિર્ણય લેવામાં આવે છે તેના પર ગ્રામસેવકોના આગામી આંદોલનની દિશા નક્કી થશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!