સાંકડા રસ્તા અને ઉગી નીકળેલી બાવળની ઝાડીઓથી વાહનચાલકો પરેશાન, તંત્ર સમક્ષ માર્ગ પહોળો કરવાની માંગ

થરા-ભાભર હાઇવેને માંડલા ગામ સાથે જોડતો આશરે 11 કિલોમીટરનો માર્ગ હાલ વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ બની રહ્યો છે. વર્ષોથી યોગ્ય જાળવણીના અભાવે માર્ગના કેટલાક ભાગો જર્જરિત બન્યા છે, જ્યારે રસ્તાની બંને બાજુ બાવળની ઝાડીઓ ઊગી નીકળતા માર્ગની પહોળાઈ પણ ઘટી ગઈ છે.

માંડલા-ભાભર માર્ગ પર દિવસ દરમિયાન વાહનોની સતત અવરજવર રહે છે. સાંકડા રસ્તાના કારણે સામસામે વાહનો પસાર થતી વખતે વાહનચાલકોને ભારે સાવચેતી રાખવી પડે છે. રોડની ખરાબ હાલત અને ઝાડીઓના કારણે ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનું જોખમ વધી રહ્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

આ માર્ગ માત્ર માંડલા ગામ માટેનો સ્થાનિક રસ્તો નથી, પરંતુ બનાસકાંઠા અને પાટણ જિલ્લાને જોડતી મહત્વની કડી તરીકે ઉપયોગમાં આવે છે. દેવ ગામ મારફતે આ માર્ગ ભાભર-રાધનપુર તરફના મુખ્ય માર્ગ સાથે જોડાય છે. પરિણામે આસપાસના ગામોના લોકો ઉપરાંત માલવાહક અને અન્ય વાહનો પણ આ રસ્તાનો ઉપયોગ કરે છે.

નોંધનીય છે કે પાટણ જિલ્લાની હદમાં દેવથી માંડલા સુધીના માર્ગને પહોળો કરવામાં આવ્યો છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાની હદમાં આવતો આશરે 11 કિ.મી.નો માર્ગ હજુ પણ સાંકડો છે. જેના કારણે બંને જિલ્લામાં માર્ગ સુવિધાની અસમાન સ્થિતિ જોવા મળી રહી છે.

સ્થાનિક સમસ્યાને લઈને ઓગડ તાલુકા પંચાયતનાં પ્રમુખ નીતાબેન દશરથજી ઠાકોરે રાજ્ય માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરી છે. તેમણે માર્ગ પર વધેલા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખી તાત્કાલિક સર્વે હાથ ધરવા તેમજ 7 મીટરની પહોળાઈ મુજબ માર્ગના વિસ્તરણ માટે જરૂરી મંજૂરી આપવા માંગ કરી છે.

રજૂઆતમાં જર્જરિત ભાગોનું સમારકામ, રસ્તાની બંને બાજુની બાવળની ઝાડીઓ દૂર કરવી અને માર્ગ પહોળીકરણની કામગીરી ઝડપથી હાથ ધરવા પર ભાર મૂકાયો છે. હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રજૂઆત અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!