સામખીયાળીથી ૮ કિમી દૂર સેવા કેમ્પ શરૂ : ભોજનથી લઈ દવા અને આરામ સુધીની વ્યવસ્થા
![]()
![]()
![]()
![]()
![]()
![]()
કચ્છ માં માતાના મઢ ખાતે બિરાજમાન માં આશાપુરાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી રહ્યા છે. પદયાત્રીઓની મુશ્કેલી ઓછી થાય અને યાત્રા દરમિયાન જરૂરી સુવિધા મળી રહે તે હેતુથી સામખીયાળીથી આશરે ૮ કિલોમીટરના અંતરે ગાંધી ચોક મિત્ર મંડળ, મોરબી દ્વારા સેવાકીય કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.
કેમ્પમાં પદયાત્રીઓ માટે ઠંડા પાણી ઉપરાંત ચા-નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ જરૂરી દવાઓ, મોબાઈલ ચાર્જિંગ તેમજ થાકેલા પદયાત્રીઓ માટે આરામ અને સુવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
‘જય માતાજી’ના જયઘોષ સાથે માતાના મઢ તરફ આગળ વધી રહેલા શ્રદ્ધાળુઓને સેવાભાવી કાર્યકરો દ્વારા જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. વિવિધ દાતાઓ અને સેવાભાવી લોકોના સહયોગથી ચાલતા આ સેવા કાર્યમાં કાર્યકરો તન, મન અને ધનથી જોડાઈને પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે.
લાંબી પદયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને રસ્તામાં ભોજન, પાણી અને આરામની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે આવા સેવા કેમ્પો યાત્રિકો માટે રાહતરૂપ બની રહ્યા છે. કોઈ પદયાત્રી ભૂખ્યો કે તરસ્યો ન રહે અને સૌ કોઈ સુખદ રીતે માતાના ધામ સુધી પહોંચી શકે તે ભાવના સાથે સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે.
ગાંધી ચોક મિત્ર મંડળ મોરબી દ્વારા માતાજીને પ્રાર્થના કરવામાં આવી છે કે, માં આશાપુરાના આશીર્વાદથી તમામ પદયાત્રીઓની યાત્રા સફળ અને સુખદ બને તથા સેવાકીય પ્રવૃત્તિનો આ સેવાયજ્ઞ વર્ષો સુધી અવિરત ચાલુ રહે.
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર

