હાલ દેશભરમાં વેઇટલોસ અને સુગર કંટ્રોલ કરવા માટે લેવામાં આવતું ઇન્જેકશન માઉન્જેરો ટ્રેન્ડિગમાં છે. એક રિસર્ચ અનુસાર છેલ્લા દોઢ વર્ષમાં 1256 કરોડના ઇન્જેક્શન વેચાઈ ચૂક્યા છે. ગુજરાતમાં પણ આ ટ્રીટમેન્ટ ટોપ ગિયરમાં છે. ઓબિસિટી એક્સપર્ટ્સની ઓપીડી બમણી થઈ ગઈ છે. આ સારવાર સૌથી વધુ ટીવી એક્ટર્સ, લગ્ન પહેલાં ફિટ લાગવા યુવતીઓ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ લઈ રહ્યા છે. ડોક્ટર્સ પાસે જતા કુલ દર્દીઓમાં 60 થી 70 ટકા મહિલાઓ હોય છે. ખાસ કરીને તેઓ સારા લૂક્સ માટે આ ટ્રીટમેન્ટ અપનાવી રહી છે. જ્યારે બાકીના 30 થી 40 ટકા પુરુષો ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી આરોગ્ય સંબંધિત સમસ્યાઓના નિયંત્રણ માટે સારવાર લઈ રહ્યા છે. આ સારવાર અંગે જાણવા દિવ્ય ભાસ્કરે અમદાવાદ અને સુરતના ઓબેસિટી, ડાયાબિટોલોજિસ્ટ અને બેરિયાટ્રિક એક્સપર્ટ્સ સાથે વાત કરી હતી. અમદાવાદના ડાયાબિટોલોજિસ્ટ ડૉ.જિતેન્દ્ર પટેલે કહે છે, આ ઇન્જેકશન ખૂબ જ ટ્રેડિંગમાં છે અને ઘણા તેનાથી અવેર છે અને રિઝલ્ટ પણ ખૂબ સારું છે. તેનાથી ભૂખ નથી લાગતી અને જમ્યા હોય એ રીતે પેટ ભરેલું લાગે છે. મેં 400થી વધુ પેશન્ટને આ ઇન્જેકશનનો ડોઝ આપ્યા છે. જ્યારે આ ઇન્જેક્શન ન હતું ત્યારે ઓબેસિટીના પેશન્ટ માટે ડાયટ ચાર્ટ અને કસરત સિવાય કોઈ ઓપ્શન ન હતા. પરંતુ હવે આ ઇન્જેક્શનથી લોકો ઓબેસિટીથી રાહત મેળવી શકે છે. ઉદાહરણ તરીકે 100 કિલોની વ્યક્તિને ફક્ત ડાયટ ચાર્ટ અને કસરતથી ચારથી પાંચ કિલો વજન ઘટે છે. જ્યારે આ ઇન્જેકશનથી 15 થી 20 ટકા અને ઘણાં પેશન્ટમાં 22 થી 25% વજનમાં ઘટાડો નોંધાતો હોય છે. અત્યાર સુધીમાં મારા બેથી પાંચ ટકા પેશન્ટ એવા હતા જેને સાઈડ ઈફેક્ટ થઈ હતી. અમદાવાદના અન્ય ડાયાબિટોલોજિસ્ટ ડૉ.વિપુલ ચાવડાએ જણાવ્યું કે છેલ્લા દોઢ વર્ષથી ઇન્ડિયામાં માઉન્જેરો ઇન્જેક્શનનું વેચાણ થઈ રહ્યું છે. મેં અત્યાર સુધીમાં 200થી વધુ પેશન્ટને ઇન્જેક્શન આપ્યા છે. આ ઇન્જેક્શન એક્સ્ટ્રા ફેટ દૂર કરતું હોવાથી ડાયાબિટીસમાં રાહત આપે છે. ‘ફેટ અને ઓબેસિટીનું સ્ટેજ જોઈને ટ્રીટમેન્ટ કરીએ છીએ’
તેઓ આગળ કહે છે, ઇન્જેક્શનની સારવાર કરતા પહેલા શું શું તકલીફો પડે છે તેની ચર્ચા કરીએ છીએ. ત્યાર બાદ નિર્ણય કરવામાં આવે છે કે કેટલા ટકા વજન ઘટાડવાની જરૂર છે. પેશન્ટ માટે હાઇ પ્રોટીન વાળો ડાયટ ચાર્ટ બનાવીએ અને કેટલીક એક્સરસાઇઝ કરવા સૂચન કરીએ છીએ. પેશન્ટ ઓબેસિટીના કયા સ્ટેજ પર છે, કેટલા ટકા ફેટ છે, આ બધું જોયા બાદ જ ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવે છે. ત્યારબાદ કેટલા ઇન્જેક્શનની જરૂર છે તે નક્કી કરવામાં આવે છે. ઓબેસિટીના પેશન્ટ હેમાંગીબેન સોજીત્રાએ જણાવ્યું કે, મારા હસબન્ડના ફ્રેન્ડની વાઈફે માઉન્જેરો ઇન્જેક્શન લીધું હતું. જેથી તેણે અમને જાણ કરી હતી કે આવું કોઈ ઇન્જેક્શન આવે છે. મારા બાળકની ડિલિવરી બાદ મારું વજન 95.4 કિલો રહેતું હતું. અત્યારે મેં ઇન્જેક્શન લેવાનું શરૂ કર્યું છે અને વજન 89 કિલો થઈ ગયું છે. જોકે હજી ઘણા બધા ડોઝ બાકી છે. ઇન્જેક્શન શરૂ કર્યાને 25 દિવસ જ થયા છે. મહિને 50-60 દર્દીને બદલે હવે 100-140 આવી રહ્યા છે: ડૉ.વિક્રમ લોટવાલા
સુરતમાં છેલ્લા 18થી 20 વર્ષથી બેરિયાટ્રિક સર્જન અને ઓબેસિટી એક્સપર્ટ ડૉ. વિક્રમ લોટવાલાએ જણાવ્યું હતું કે, માઉન્જેરોનો ટ્રેન્ડ ખૂબ જ વધી રહ્યો હોવાથી ઓપીડીમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. અગાઉ મહિને જ્યાં 50-60 દર્દીઓ આવતા હતા, તેની સામે હવે દર મહિને 100 થી 140 દર્દી આવી રહ્યા છે. વજન ઘટવું એ શરીરમાં સીધો દેખાતો ફેરફાર હોવાથી પરિણામ મેળવનાર દર્દીઓ પોતાના સગાં-સંબંધીઓ અને મિત્રોને ભલામણ કરે છે, જેના કારણે માઉથ પબ્લિસિટી દ્વારા દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ઇન્જેક્શનના પરિણામો અસરકારક હોવાથી સારવાર માટે આવતા લગભગ 80% દર્દીઓ સીધા જ માઉન્જેરો ઇન્જેક્શનની માંગ કરે છે. જોકે, તેની કિંમત અન્ય વિકલ્પો (જેમ કે વિગોવી કે ઓઝેમ્પિક) કરતાં વધુ હોવા છતાં લોકો તેને પ્રાથમિકતા આપે છે, જ્યારે અમુક દર્દી સસ્તા વિકલ્પો પણ પસંદ કરે છે. હાલ 500-600 દર્દીઓ માત્ર વજન ઘટાડવા માટે નિયમિત ફોલોઅપમાં છે. ‘ડાયાબિટીસ અને BPની જેમ લોંગ ટર્મ થેરાપી છે’
આ દવાઓનો ઉપયોગ કેટલા સમય સુધી કરવો પડે તે અંગે કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી; તે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની સારવારની જેમ લાંબા ગાળાની (લોંગ-ટર્મ) અથવા જીવનભર ચાલતી થેરાપી જેવી છે. આ માત્ર ઇન્જેક્શન લેવા પૂરતું સિમિત નથી, પરંતુ એક સંપૂર્ણ પ્રોટોકોલ છે. દવા લેવાની સાથે સ્નાયુઓનું નુકસાન (મસલ લોસ) અટકાવવા માટે હાઈ-પ્રોટીન ડાયેટ લેવું જરૂરી છે તેમજ અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ જેટલી સ્ટ્રેન્થ ટ્રેનિંગ/કસરત કરવી અનિવાર્ય છે. અગાઉ 25 થી 35ની વચ્ચે BMI (બોડી માસ ઇન્ડેક્સ) ધરાવતા દર્દીઓ માટે વજન ઉતારવાની કોઈ ચોક્કસ કે ઉત્તમ દવા ઉપલબ્ધ નહોતી. જ્યારે 40થી વધુ BMI વાળા દર્દીઓને સર્જરીની જરૂર પડતી હતી. આ સંજોગોમાં આ નવી દવા વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ અને અસરકારક વિકલ્પ બનીને આવી છે. રિસર્ચ દર્શાવે છે કે આ દવા શરીરના લગભગ તમામ અંગો માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે. ‘આ દવાથી થાયરોઇડ કેન્સર થવાનું કોઈ સાબિત જોખમ જોવા મળ્યું નથી’
સોશિયલ મીડિયામાં ચાલતી ચર્ચાઓ અંગે સ્પષ્ટતા કરતા જણાવે છે કે અચાનક શુગર વધવાથી આંખની નસોમાં સ્પાઝમ થવાને કારણે અંધાપો આવી શકે છે, જે ઇન્સ્યુલિનમાં પણ શક્ય છે અને જે આ દવાનો જ દોષ નથી. થાઇરોઇડ કેન્સર અંગે સ્પષ્ટ કર્યું કે ઉંદરોમાં જોવા મળેલ મેડ્યુલરી કાર્સિનોમા માણસો કે વાંદરાઓમાં ક્યારેય જોવા મળ્યું નથી. તેથી માનવીઓમાં આ દવાથી થાયરોઇડ કેન્સર થવાનું કોઈ સાબિત જોખમ જોવા મળ્યું નથી. ‘સરેરાશ 15 થી 18 ટકા જેટલું વજન સરળતાથી ઘટી શકે’
માઉન્જેરો ઇન્જેક્શન બનાવતી કંપની 20-21 ટકા વજન ઘટવાનો દાવો કરે છે (જે શરીરના કુલ વજનની ટકાવારીમાં છે, કિલો ગ્રામમાં નહીં). જોકે, મારા અનુભવ મુજબ સરેરાશ 15 થી 18 ટકા જેટલું વજન સરળતાથી ઘટી શકે છે, જ્યારે ‘ઓઝેમ્પિક’ (Ozempic) અને ‘વિગોવી’ (Wegovy) જેવા ઇન્જેક્શન્સથી 12-15 ટકા વજન ઓછું થાય છે. લગભગ 95% દર્દીઓમાં ધાર્યું પરિણામ જોવા મળે છે, જે અગાઉની દવાઓની સરખામણીએ ઘણું ઉત્તમ છે. આ ઉપરાંત, ભારતીય કંપનીઓની જે દવાઓ પણ ઉપલબ્ધ થઈ રહી છે તે સસ્તી છે અને ભવિષ્યમાં વધુ સારા પરિણામો આપી શકે છે. ‘આ સારવાર 1 થી 2 વર્ષ સુધી ચાલુ રાખવી જોઈએ’
સામાન્ય રીતે દર્દીઓને દર મહિને આ ઇન્જેક્શન લેવાની જરૂર પડે છે અને લાંબા ગાળાના સારા પરિણામ માટે આ સારવાર 1 થી 2 વર્ષ સુધી ચાલુ રાખવી જોઈએ. છેલ્લા દોઢેક વર્ષના સમયગાળામાં કેટલા ઇન્જેક્શન વપરાયા તે અંગે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું કે તેઓ આ વિષય પર છેલ્લા 3 થી 5 વર્ષથી રિસર્ચ સાથે પણ જોડાયેલા છે. દર્દીઓ લાંબી સારવાર લેતા હોવાથી અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં આ ઇન્જેક્શન (પેન) દર્દીઓને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યા છે. ‘દવાની સાથે-સાથે યોગ્ય જીવનશૈલી અપનાવવી જરૂરી’
ચહેરા પર ઘરડાપણું ન દેખાય અને શરીર સુડોળ રહે તે માટે દવાની સાથે-સાથે યોગ્ય જીવનશૈલી અપનાવવી જરૂરી છે. ડૉક્ટરના જણાવ્યા મુજબ, રોજના આહારમાં પૂરતું પ્રોટીન (લગભગ 80 થી 90 ગ્રામ) અને પૂરતા પ્રમાણમાં ફાઈબર લેવું જોઈએ. આ સાથે જ દરરોજ નિયમિત કસરત અને બોડી એક્સરસાઇઝ કરવી અનિવાર્ય છે. આમ કરવાથી સ્નાયુઓ મજબૂત રહે છે, મસલ લોસ અટકે છે અને ચહેરો ઉતરેલો દેખાવાને બદલે લુકમાં વધુ સુધારો થાય છે. મારી પાસે વિદેશથી પણ ઘણા દર્દીઓ કન્સલ્ટેશન અને ફોલોઅપ માટે આવે છે. ખાસ કરી દુબઈ, યુ.એસ. અને ઓસ્ટ્રેલિયામાં વસતા NRI (ખાસ કરીને નોન રેસિડેન્ટ ગુજરાતી)મોટા પ્રમાણમાં ઓનલાઇન સંપર્ક કરે છે. આ દર્દીઓ ભારત અથવા સુરતની મુલાકાત વખતે કન્સલ્ટેશન મેળવે છે અથવા તેમના સંબંધીઓ મારફતે દવાઓ મંગાવી લે છે. ડૉ.વિક્રમ લોટવાલા સમજાવે છે કે માઉન્જેરો જેવા ઇન્જેક્શનથી વજન કઈ રીતે ઘટે છે. સામાન્ય રીતે જ્યારે પેટ ખાલી હોય ત્યારે શરીરમાં ‘ઘ્રેલિન’ હોર્મોન બને છે, જે મગજને ભૂખ લાગવાનો સંકેત આપે છે. જ્યારે પેટ ભરાઈ જાય છે ત્યારે શરીર કુદરતી રીતે ‘GLP-1’ નામનો હોર્મોન રીલિઝ કરે છે, જે મગજને સંકેત આપે છે કે પેટ ભરાઈ ગયું છે અને જમવાનું બંધ કરવું જોઈએ. કુદરતી GLP-1 ની અસર માત્ર 5 મિનિટ સુધી જ રહે છે. પરંતુ આ દવાઓમાં રહેલું આર્ટિફિશિયલ GLP-1 મગજને સતત 5 થી 6 દિવસ સુધી પેટ ભરેલું હોવાનો સંકેત આપતું રહે છે, જેના કારણે વ્યક્તિને ભૂખ ઘણી ઓછી લાગે છે અને સામાન્ય કરતાં ખૂબ ઓછો ખોરાક લેવા છતાં પેટ ભરાઈ જાય છે. ‘હોજરીમાંથી ખોરાકને આંતરડામાં જવાનો સમય વધારે છે’
આ ઉપરાંત, આ દવા હોજરીમાંથી ખોરાકને આંતરડામાં જવાનો સમય (ગેસ્ટ્રિક એમ્પ્ટીઇંગ ટાઇમ) 4-5 કલાકથી વધારીને 6-7 કલાક કરી દે છે, જેથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહેવાનો અહેસાસ થાય છે. સાથે જ, તે શરીરમાં ઇન્સ્યુલિનના સ્ત્રાવ અને તેના પાવરને વધારવામાં મદદ કરે છે, જેનાથી ડાયાબિટીસ-સુગર મેનેજમેન્ટ પણ સારું બને છે. આ મુખ્ય કારણોને લીધે દર્દીનો ખોરાક ઘટે છે અને વજનમાં અસરકારક ઘટાડો થાય છે. સુરતના ગેસ્ટ્રો, બેરિયાટ્રિક અને રોબોટિક સર્જન ડૉ. તેજસ પટેલ જણાવે છે કે સામાન્ય રીતે એવી માન્યતા હતી કે મેદસ્વિતા માત્ર પશ્ચિમી દેશોની જ સમસ્યા છે, પરંતુ ભારતમાં પણ સ્થૂળતાનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. મોટાભાગે લોકો વજન ઉતારવા માટે ઘરગથ્થુ ઉપચાર કે ઇન્ટરનેટ પરથી સલાહ લે છે. પરંતુ જે દર્દીઓ જાગૃત બનીને ડૉક્ટર પાસે માર્ગદર્શન મેળવવા આવે છે, તેમાંથી 50 ટકાથી વધુ દર્દીઓ તબીબી સલાહ બાદ માઉન્જેરો લેવા માટે પ્રેરિત થાય છે. તેની ઘણી ઓછી સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે છે. જો કોઈ આડઅસર કે તકલીફ જણાય તો સારવાર માટેના ઉપાયો પહેલેથી જ ઉપલબ્ધ છે. મેડિકલ લિટરેચર મુજબ આ સારવાર દ્વારા શરીરના વધારાના વજન (એક્સેસ બોડી વેઇટ)માં 20 થી 30 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. સામાન્ય ગણતરી મુજબ દર મહિને દર્દીનું 2 થી 4 કિલો વજન ઘટી શકે છે, અને જો આ ઇન્જેક્શનનો સંપૂર્ણ સારવાર કોર્સ યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવે તો 15-20 કિલો વજન ઘટાડી શકાય છે. ‘કાળજી ના રાખો તો શરીર ઢીલુ પડી જાય અને નબળાઈ પણ આવી શકે’
માઉન્જેરો ઇન્જેક્શન લીધા બાદ વજન ઘટવાની પ્રક્રિયા દરમિયાન દર્દીઓમાં ઘણીવાર આડઅસર અંગે ચિંતા હોય છે. દર્દીઓના મનમાં પ્રશ્ન હોય છે કે વજન ઘટ્યા પછી શરીરમાં નબળાઈ આવી જશે, શરીર ઢીલું પડી જશે કે કામ કરવામાં મુશ્કેલી પડશે. યોગ્ય કાળજી ન રાખવામાં આવે તો આ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે, તેથી આ ઇન્જેક્શન લીધા પછી યોગ્ય આહાર અને દેખરેખ રાખવી ખૂબ જરૂરી છે. આ સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત હોસ્પિટલમાં એક વિશેષ ટીમ કામ કરે છે. સારવારના પ્રથમ દિવસથી જ દર્દીને યોગ્ય ડાયટ પ્લાન આપવામાં આવે છે. જેથી તેમને ખોરાક દ્વારા જરૂરી વિટામિન્સ અને પ્રોટીન પૂરતા પ્રમાણમાં મળી રહે. આ માટે હોમમેઇડ ટીન પાઉડરની રેસિપી પણ આપવામાં આવે છે. આ ઉપરાંત દર્દીઓની સુવિધા માટે એક વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું છે, જેમાં દર્દી ગમે તે સમયે પોતાની સમસ્યા કે પ્રશ્ન જણાવી શકે છે અને ડાયેટિશિયન તેમજ આસિસ્ટન્ટ તાત્કાલિક નિરાકરણ કરી દે છે. જે દર્દીઓ આવી રહ્યા છે તેમાં સૌથી વધુ મહિલાઓ હોય છે. એવી યુવતીઓ જેમની સગાઈ થવાની છે અથવા લગ્ન થવાના છે તેઓ પણ આ ઇન્જેક્શન મારફતે હાલ પોતાનું વજન ઘટાડી રહે છે. એક બે કિસ્સા તો એવા છે કે જેમના લગ્ન થવાના હતા એ પહેલા ઇન્જેક્શન મારફતે વજન ઘટાડ્યું છે અને હાલ તેમના લગ્ન પણ થઈ ગયા છે અને સારી રીતે પોતાનું લગ્નજીવન જીવી રહ્યા છે. સુરતમાં એક મહિનામાં 4000 થી 4500 ઇન્જેક્શનનું વેચાણ
આ ઇન્જેક્શન અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, માર્ચ 2025માં ઇન્જેક્શન ભારત અને ગુજરાતમાં લોન્ચ થયું હતું. શરૂઆતમાં ઇન્જેક્શનને લઈને ક્રેઝ ન હતો પણ છેલ્લા આઠથી દસ મહિનાથી ખૂબ જ મોટા પ્રમાણમાં ઇન્જેક્શનની ડિમાન્ડ વધી છે. હાલ સુરતમાં એક મહિનામાં 4000 થી 4500 ઇન્જેક્શન વેચાતા હોવાનો આંકડો સામે આવ્યો છે. ઇન્જેક્શનની કિંમત 13,000 થી લઈને 26,000 સુધી હોય છે. જેમાં ચાર ડોઝ લઈ શકાય છે. એક ડોઝથી બીજા ડોઝ વચ્ચેનું અંતર સાત દિવસનું હોય છે. જેથી માત્ર સુરતની જ વાત કરવામાં આવે તો કરોડો રૂપિયાના આ ઇન્જેક્શન એક મહિનામાં વેચાઈ રહ્યા છે. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશનના ચેરમેન અલ્પેશ પટેલ કહે છે કે, આપના માધ્યમથી અમે દરેક પબ્લિકને પણ માહિતગાર કરીએ કે આ મેડિસીન્સ એવી છે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને ડૉક્ટરના સજેશન્સ વગર લેવી ન જોઈએ, કારણ કે ભવિષ્યમાં આના પણ સાઇડ ઇફેક્ટ્સ ઘણા બધા છે. તમને અત્યારે કદાચ વેટ રીડ્યુસ કરવાના રિઝલ્ટ મળી શકે છે, પણ બોડીમાં ઘણા બધા ચેન્જીસ ભવિષ્યમાં દેખાઈ શકે, તો આને એવોઇડ કરવું જોઈએ. અને ડૉક્ટરના સજેશન્સ અને એના માધ્યમથી જે ડોઝ નક્કી થાય એ પ્રમાણે જ આ પ્રોડક્ટનો યુઝ કરવો જોઈએ. એક્ચ્યુઅલી ભારત દેશમાં નહીં, વર્લ્ડમાં વેટ ઓબેસિટી આ એક મોટો પ્રશ્ન છે. અને ઓબેસિટીની અંદર, ઓબેસિટી આવ્યા બાદ ડાયાબિટીસ અને બીજા જે પણ કંઈક રોગોનું આમંત્રણ આવે છે, એના લીધે લોકો જેટલું જલ્દી બને એટલું… કારણ કે આજે પણ હેલ્થ કોન્શિયસ છે જ લોકો. પણ હેલ્થ કોન્શિયસની સાથે એમને એક આવા રિઝલ્ટવાળા પ્રોડક્ટ મળી રહ્યા છે.

By Gujrat

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!