વેકેશન આવે એટલે ગુજરાતીઓ ફરવા ન જાય એવું તો બને જ નહીં. દિવાળી વેકેશન આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતીઓ માટે ફરવા જવું મોંઘું પડશે. કારણ કે, મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ અને ફ્યુઅલ સરચાર્જમાં વધારાને કારણે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનના પેકેજ 35% થી 50% જેટલા મોંઘા થયા છે. એક કપલનો ડોમેસ્ટિક ડેસ્ટિનેશન પેકેજનો સરેરાશ ખર્ચ ₹25,000થી ₹90,000 સુધીનો છે, જ્યારે ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનનો સરેરાશ ખર્ચ ₹80,000થી લઈને ₹2.5 લાખ સુધી પહોંચી ગયો છે. જેના કારણે ટૂરિસ્ટો ઈન્ટરનેશનલ ટ્રીપ મોંઘી થતાં હવે ટૂંકા ગાળાના ડોમેસ્ટિક ટ્રીપ તરફ વળ્યા છે. ગુજરાતીઓ ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં વિયેતનામ, બાલી, થાઈલેન્ડ, શ્રીલંકા, સિંગાપોર અને દુબઈ જેવા દેશોમાં ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે, જ્યારે ડોમેસ્ટિક ટૂરિઝમમાં સિક્કિમ, દાર્જિલિંગ, મેઘાલય, નૈનીતાલ સહિતના ડેસ્ટિનેશન આ વર્ષે નવા ટ્રેન્ડ તરીકે સામે આવ્યા છે. આ ઉપરાંત કેરળ, હિમાચલ પ્રદેશ, ગોવા, જમ્મુ કાશ્મીર અને રાજસ્થાન જેવા સ્થળો પસંદ કરી રહ્યા છે. દુબઈનો ક્રેઝ ગુજરાતીઓમાં ઘટ્યો
અમદાવાદના ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે ટૂરિસ્ટો ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં વિયેતનામ માટે પૂછપરછ કરી રહ્યા છે. બીજી તરફ આ વખતે દુબઈનું ઓછું કન્ફર્મ બુકિંગ મળ્યું છે. મધ્ય પૂર્વની વર્તમાન સ્થિતિ અને ફ્યુઅલના વધતા ખર્ચને કારણે અન્ય ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન તરફ વળ્યા છે. ચારથી છ દિવસના ટૂર પેકેજ વધુ પસંદ
ડોમેસ્ટિક ડેસ્ટિનેશનની વાત કરીએ તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનાં સ્થળો માટે ટૂરિસ્ટો વધારે પૂછપરછ કરી રહ્યાં છે. જોકે, સામાન્ય રીતે દિવાળી દરમિયાન પેક રહેતાં કેરળ અને કર્ણાટકમાં આ વર્ષે અપેક્ષા કરતાં ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મી માટે પણ ગત વર્ષની સરખામણીએ ઓછું બુકિંગ હોવાનું ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીઝના સૂત્રો જણાવી રહ્યાં છે. સામાન્ય રીતે ચારથી છ દિવસમાં પ્રવાસ પૂરો થઈ શકે તેવા ડેસ્ટિનેશનને વધુ પસંદ કરવામાં આવી રહ્યાં છે. એરફેરમાં 30થી 50 ટકા સુધીનો વધારો નોંધાયો: પ્રિયેશ ડોબરિયા
અમદાવાદના અલગારી ટ્રાવેલ એજન્સીના ઓનર પ્રિયેશ ડોબરિયાએ જણાવ્યું હતું કે, કેટલાક રૂટ પર ગત વર્ષની સરખામણીએ એરફેરમાં 30થી 40 ટકા, જ્યારે કેટલાક સેક્ટરમાં 50 ટકા સુધીનો વધારો નોંધાયો છે. મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ અને ફ્યુઅલ સરચાર્જમાં વધારાને કારણે ટિકિટના ભાવમાં વધારો થયો છે. અમદાવાદથી આંદામાનની રિટર્ન ટિકિટનો ભાવ સામાન્ય રીતે દિવાળી દરમિયાન ₹25થી 30 હજાર આસપાસ રહેતો હતો, પરંતુ આ વર્ષે તે વધીને ₹55થી 60 હજાર સુધી પહોંચ્યો છે. આંદામાન માટે મર્યાદિત ફ્લાઈટ્સ પણ ઊંચા ભાડાનું એક કારણ હોઈ શકે છે. એટલું જ નહીં લખનઉ જેવા ડોમેસ્ટિક રૂટ પર પણ વન-વે ટિકિટનો ભાવ ₹15થી 17 હજાર સુધી પહોંચી રહ્યો છે. અગાઉ આ જ રૂટ પર ટિકિટનો ભાવ ₹4થી 6 હજાર આસપાસ રહેતો હતો. કેટલાક ટૂરિસ્ટો ગોવા જતાં રસ્તામાં મહાબળેશ્વર અથવા અન્ય સ્થળોએ રોકાણ કરીને ગોકર્ણ અને વર્કલા જેવા સ્થળોની પણ મુલાકાત લઈ રહ્યાં છે. પ્રિયેશ ડાબેરિયાના જણાવ્યા અનુસાર, તેમની એજન્સીમાં આ દિવાળી દરમિયાન તેમની પાસે અંદાજે બેથી અઢી કરોડ રૂપિયાનું બુકિંગ થયું હોવાનો અંદાજ છે. દિવાળી પહેલાં અને પછીના સમયમાં પૂછપરછ અને બુકિંગ વધુ: અંકિત બજાજ
અમદાવાદના ચીકી ટ્રાવેલ એજન્સીના ઓનર અંકિત બજાજે જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દિવાળી દરમિયાન પ્રવાસના બુકિંગમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. દિવાળી પહેલાં અને દિવાળી બાદના સમયગળામાં પૂછપરછ અને બુકિંગ સારા છે, પરંતુ દિવાળીના મુખ્ય દિવસો દરમિયાન એડવાન્સ બુકિંગ અંદાજે 30થી 35 ટકા જેટલું હોવાનું સામે આવ્યું છે. એરફેરમાં થયેલો વધારો આ ઘટાડાનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત સોના-ચાંદીની ખરીદી અંગેની ચર્ચા અને ભાવમાં થતા ફેરફારને કારણે પણ કેટલાક લોકો પ્રવાસ પાછળ ખર્ચ કરવાને બદલે કિંમતી સોનાની તરફ વળી શકે છે. થાઈલેન્ડ, સિંગાપોર, મલેશિયા, વિયેતનામનો ક્રેઝ વધુ: મોના જગોત
રાજકોટના મીથિકલ માઈલ્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર મોના જગોતે જણાવ્યું હતું કે, દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે ગુજરાતની વાત કરું તો અહીંના લોકો ફરવાના શોખીન છે. ઈન્ટરનેશનલ કે ડોમેસ્ટિક બંનેમાં ક્રેઝ એટલો જ છે ઘટ્યો નથી. ઈન્ટરનેશનલમાં થાઈલેન્ડ, સિંગાપોર, મલેશિયા, વિયેતનામનો ક્રેઝ વધુ છે, જ્યારે દુબઈ અને બાલી જવાના શોખીન પણ વધુ છે. વિયેતનામના ફૂકોક આઇલેન્ડમાં સેપરેટલી લોકો ફરવા જાય છે. ત્યાં કિસિંગ બ્રિજ, એમ્યુઝમેન્ટ પાર્ક વર્લ્ડ ફેમસ છે. જેથી ત્યાંનો ક્રેઝ વધારે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતીઓ હિમાચલ, કાશ્મીર, આંદામાન નિકોબાર, મહારાષ્ટ્ર , ગોવા, કેરળ ફરવા જાય છે. જેમાં પણ ખાસ કરી ને કેરળ વધારે હોટ ફેવરિટ પ્લેસ છે. અત્યારે પેકેજની વાત કરીએ તો ડોમેસ્ટિકમાં એક કપલનું કોસ્ટિંગ ₹25,000થી લઈને ₹90,000 સુધીનું થાય છે.

By Gujrat

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!