જનહિતના પ્રશ્નો ઉઠાવવા બદલ મુક્તાબેન પટેલે ધમકી આપી હોવાનો જયા ઠાકોરનો દાવો; પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત, કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે વિવાદ સર્જાયો હોવાનો મામલો સામે આવ્યો છે. 29 ઓક્ટોબર 2026ના રોજ યોજાયેલી સામાન્ય સભામાં ભાજપના વોર્ડ નં. 4નાં સભ્ય મુક્તાબેન શાંતિલાલ પટેલે વિપક્ષી સભ્ય જયા સી. ઠાકોરને લાફો મારવાની ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે જયા ઠાકોરે પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી નિષ્પક્ષ તપાસ અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

જયા ઠાકોરના જણાવ્યા અનુસાર, સામાન્ય સભા દરમિયાન તેમણે નગરના વિકાસ અને જનહિત સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ખાસ કરીને નગરપાલિકામાં આપવામાં આવેલા ટેન્ડર, કયા વર્ષે કયા કામ માટે ટેન્ડર ફાળવવામાં આવ્યા હતા તેમજ તે અંગેના ઠરાવોની માહિતી મેળવવા માટે છેલ્લા દોઢ વર્ષથી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં જરૂરી વિગતો આપવામાં આવતી નથી, તેવો આક્ષેપ તેમણે કર્યો છે.

સભામાં નગરપાલિકાની કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવતા વાતાવરણ ઉગ્ર બન્યું હોવાનો જયા ઠાકોરે દાવો કર્યો છે. પ્રમુખ સહિતના હોદ્દેદારો અને સભ્યોની હાજરીમાં મુક્તાબેન શાંતિલાલ પટેલે ઉગ્ર વલણ અપનાવી લાફો મારવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જયા ઠાકોરે રજૂઆતમાં જણાવ્યું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને જનતાના પ્રશ્નો રજૂ કરવાનો બંધારણીય અને લોકશાહી અધિકાર છે. નગરપાલિકાની સામાન્ય સભા નગરના પ્રશ્નો પર ચર્ચા કરી તેનો ઉકેલ લાવવાનું મંચ છે, ત્યારે સભામાં પ્રશ્નો ઉઠાવનાર સભ્ય સાથે કથિત ધમકીભર્યું વર્તન થવું ગંભીર બાબત છે.

સમગ્ર ઘટનાની સત્યતા બહાર લાવવા માટે સામાન્ય સભાના CCTV ફૂટેજ અને વીડિયો રેકોર્ડિંગ સુરક્ષિત રાખી તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, ઘટનાસ્થળે હાજર હોદ્દેદારો અને સભ્યોનાં નિવેદનો લેવામાં આવે તેમજ જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ પોતાની સુરક્ષા અને ન્યાયની ખાતરી આપવા પણ જયા ઠાકોરે રજૂઆત કરી છે.

આ મામલે જયા ઠાકોરે વધુમાં જણાવ્યું છે કે જો તંત્ર દ્વારા યોગ્ય અને ન્યાયસંગત કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. જરૂર પડ્યે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તેમણે ધમકીના ઓડિયો-વિડિયો પુરાવા પોતાની પાસે હોવાનો દાવો કરી જરૂર પડ્યે રજૂ કરવાની તૈયારી દર્શાવી છે.

આ રજૂઆતની નકલ રાજ્યના ગૃહમંત્રી, પોલીસ મહાનિર્દેશક, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અને રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ મોકલવામાં આવી છે.

હવે આ ગંભીર આક્ષેપ મામલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં અને નગરપાલિકાની સામાન્ય સભામાં બનેલી કથિત ઘટનાની હકીકત શું છે, તે જોવું રહ્યું.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!