વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ઊંડાણપૂર્વક રસ લઈને કરેલી રજૂઆત અને તેમના માર્ગદર્શન હેઠળ લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય

પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને એક સમાન રૂ. ૨૨,૦૦૦ સહાય ચૂકવવામાં આવશે: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

પાંચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો માટે આજ તા. ૧૧ નવેમ્બરથી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકાશે

ખેડૂતો પોતાના ગામના VCE/VLEના માધ્યમથી આગામી ૧૫ દિવસ સુધી સહાય માટે પોર્ટલ પર અરજી કરી શકશે

ઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૫માં ભારે વરસાદથી થયેલી પાક નુકસાની સામે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પાંચ જિલ્લા માટે કરી હતી રાહત પેકેજની જાહેરાત

ગુજરાતમાં ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં વરસેલા અતિભારે વરસાદમાં જૂનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લાના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન જોવા મળ્યું હતું. આ નુકશાનમાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવાના આશય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરીને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રૂ. ૯૪૭ કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.

આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના ધારાધોરણો મુજબ ૩૩ ટકાથી વધુ નુકશાન હોય તેવા ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં બિનપિયત પાક માટે રૂ. ૧૨,૦૦૦ પ્રતિ હેક્ટર, પિયત પાક માટે રૂ. ૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર તેમજ બહુવર્ષાયુ પાકો માટે રૂ. ૨૭,૫૦૦ પ્રતિ હેક્ટર સહાય જાહેર કરવામાં આવી હતી.

કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ સંદર્ભે લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે જણાવ્યું હતું કે, વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ અસરગ્રસ્ત વિસ્તારમાં નુકશાનની તીવ્રતાને ધ્યાને લઈને સહાયમાં વધારો કરવા અંગે રજૂઆત કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બાબતે ઊંડાણપૂર્વક રસ લઈને ખેડૂતોના હિતને તેમણે પ્રાધાન્ય આપ્યું હતું. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારના વિવિધ ધારાસભ્યશ્રી સહિતના અગ્રણીઓએ પણ સહાયમાં વધારો કરવા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆતને હકારાત્મક વાચા આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ બિનપિયત અને પિયત પાક બંનેને એક સમાન રૂ. ૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય બે હેક્ટરની મર્યાદામાં આપવાનો રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આટલું જ નહીં, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદમાં પાણી ભરાયેલા હોય તેમજ રવિ ઋતુમાં વાવેતર થઈ શકે તેમ ન હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં રૂ. ૨૦,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ૨ હેક્ટરની મર્યાદામાં સહાય આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

ખેડૂતો આ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય મેળવવા અરજી કરી શકે તે માટે આજ તા. ૧૧ નવેમ્બરથી આગામી ૧૫ દિવસ સુધી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાના ગામના VCE/VLEના માધ્યમથી સમયમર્યાદામાં કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!