આગામી ૨૬ નવેમ્બરના રોજ સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી SIR બાબતે મેગા કલેક્શન દિવસ
બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયત અથવા ડેરી ખાતે નાગરિકોના મતદાર ગણતરીપત્રક એકઠા કરાશે
બનાસકાંઠા અને વાવ – થરાદ જિલ્લામાં હાલ ચાલી રહેલી મતદારયાદી ખાસ સઘન સુધારણા (Special Intensive Revision SIR)ની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે બંને જિલ્લાની તમામ ગ્રામ પંચાયત, દૂધ ઉત્પાદક મંડળી એટલે કે ડેરી અથવા ચૂંટણી અધિકારીશ્રી નક્કી કરે તે તમામ સ્થળોએ આગામી ૨૬ નવેમ્બરના રોજ સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી SIR બાબતે મેગા કલેક્શન દિવસ તરીકે કામગીરી કરવામાં આવશે.
૨૬ નવેમ્બરના રોજ તમામ ગ્રામ પંચાયત અથવા દૂધ ઉત્પાદક મંડળીઓ ખાતે સરપંચશ્રી, તલાટીશ્રી, મધ્યાહ્ન ભોજન અને સસ્તા અનાજની દુકાનના સંચાલકો, આંગણવાડી કાર્યકર, ગ્રામ પંચાયત VCE સહિતના લોકો ઉપસ્થિત રહીને SIR અંતર્ગત જે લોકોના ફોર્મ હજુ સુધી નથી ભરાયા તેમના ગણતરી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે. બી.એલ.ઓ પોતાના મતદાન મથક ઉપર હાજર રહેશે અને નાગરિકોના ગણતરી પત્રક જમા કરવાની કામગીરી કરશે. જિલ્લાના નાગરિકોએ વહેલી તકે પોતાના ગણતરી ફોર્મ જમા કરાવવાના રહેશે.
આવો સૌ સાથે મળીને મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ “પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય” ઝુંબેશને આગળ વધારીએ.
The Gujarat Live News રિપોર્ટર બી.એમ.રાવળ – પાલનપુર બનાસકાંઠા
