પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવા નજુપુરા ગામમાં નર્મદા કેનાલનું પાણી લાંબા સમયથી ન મળતા ગ્રામજનોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. પાણીની ગંભીર સમસ્યાને લઈને ગામના લોકોએ કાર્યપાલક ઈજનેર, કચ્છ શાખા નહેર વિભાગ, રાધનપુરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
ગ્રામજનોએ જણાવ્યું છે કે નર્મદા પાણી મુદ્દે અનેકવાર રજૂઆતો અને મૌખિક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી. નવા નજુપુરા ગામ તરફ આવતી નર્મદા પાઈપલાઈનમાં રસ્તામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે મશીનો લગાવી પાઈપ તોડી પાણી ચોરી કરવામાં આવે છે. જેના કારણે પાઈપલાઈન અંદર રેતી અને કચરો ભરાઈ જાય છે અને લાઈન વારંવાર ચોક થઈ જતા ગામ સુધી પાણી પહોંચતું જ નથી.
ઉપરાંત, આ પાઈપલાઈન ટેલ કુંવેથી આવતી હોવાથી પૂરતો લેવલ ન મળતા પાણીનો પ્રવાહ સતત બંધ થઈ જાય છે. આ બાબતે તંત્રને અગાઉ જાણ કરી લેવરનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ ટેસ્ટિંગ બાદ પણ કોઈ અસરકારક ઉકેલ ન આવતા ગ્રામજનોમાં ભારે નિરાશા ફેલાઈ છે.
પરિસ્થિતિ વધુ બગડતા ગ્રામજનોએ હવે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે નર્મદા કેનાલની સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા નવી પાઈપલાઈન મંજૂર કરવામાં આવે. જો 7 દિવસની અંદર માંગ સંતોષવામાં નહીં આવે તો ગ્રામજનો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેમજ અનિશ્ચિત હડતાળ પર ઉતરશે.
ગ્રામજનોએ લેખિત રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે આવનારા દિવસોમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી નર્મદા કેનાલ વિભાગ અને સંબંધિત તંત્રની રહેશે. હાલ તંત્ર સામે ગ્રામજનોએ 7 દિવસનું અલ્ટીમેટમ આપીને સંઘર્ષની ચેતવણી ઉચ્ચારી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
