ગામે ગામ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા, આરોગ્ય તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો
પાટણ જિલ્લાભરમાં છેલ્લા ઘણા સમયથી ગામે ગામ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વિના સારવાર કરતા ઉઘાડ પગા ડોક્ટરોનો ત્રાસ વધી રહ્યો છે.
આવા બોગસ તત્વો દ્વારા હાટડીઓ ખોલી બીમાર લોકોને દવાઓ અને ઇન્જેક્શનો આપી લોકોના આરોગ્ય સાથે ગંભીર બેદરકારી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની આંખ આડા કાનની નીતિના કારણે આવા ગેરકાયદે ધંધાઓ નિર્ભયતાથી ધમધમી રહ્યા છે.
આ પરિસ્થિતિ વચ્ચે પાટણ એસઓજી પોલીસ દ્વારા સાંતલપુર તાલુકાના વારાહી ગામના કોરડા વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવતા બોગસ મેડિકલ પ્રેક્ટિસનો ભાંડો ફૂટ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાટણ એસઓજી સ્ટાફ સાંતલપુર તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વારાહી ગામના કોરડા વિસ્તારમાં પશુ દવાખાના સામે ફકીર વાસમાં આવેલ મનસુરી રહેમાનભાઈ શકુરભાઈના મકાનની આગળ આવેલી એક દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન દુકાનમાં એક ટેબલ ઉપર મોટી સંખ્યામાં મેડિકલ દવાઓ, ઇન્જેક્શનો તેમજ વિવિધ પ્રકારના મેડિકલ સાધનો મળી આવ્યા હતા.
તપાસ દરમ્યાન દુકાનમાં હાજર વ્યક્તિ બીમાર લોકોની સારવાર કરતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની ઓળખ જગદીશપુરી નરસંગપુરી ગૌસ્વામી તરીકે કરી હતી. પોલીસ દ્વારા મેડિકલ પ્રેક્ટિસ માટે જરૂરી સરકારી માન્ય ડિગ્રી બાબતે પૂછપરછ કરતા આરોપીએ પોતાની પાસે કોઈ માન્ય એલોપેથીક ડિગ્રી ન હોવાનો સ્વીકાર કર્યો હતો. તેણે રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયમાંથી શિક્ષણ લીધું હોવાનું એક સર્ટિફિકેટ રજૂ કર્યું હતું.
આ સર્ટિફિકેટની ખરાઈ માટે એસઓજી પોલીસે સ્થાનિક આરોગ્ય અધિકારીને સ્થળ પર બોલાવ્યા હતા. આરોગ્ય અધિકારી દ્વારા તપાસ કરતા આ સર્ટિફિકેટના આધારે એલોપેથીક સારવાર કરવાની કોઈ પણ કાયદેસર મંજૂરી મળતી નથી તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. તેમ છતાં આરોપી દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે જોખમ ઊભું કરી દવાઓ અને ઇન્જેક્શનો આપી સારવાર કરવામાં આવી રહી હતી.
એસઓજી પોલીસે કોઈપણ માન્ય સરકારી ડિગ્રી વગર બીમાર લોકોને દવાઓ તથા ઇન્જેક્શનો આપી લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારીપૂર્ણ અને જોખમભર્યું કૃત્ય કરવા બદલ આરોપી જગદીશપુરી નરસંગપુરી ગૌસ્વામી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
સાથે સાથે રૂ. 25,114 કિંમતની મેડિકલ દવાઓ, ઇન્જેક્શનો તથા મેડિકલ સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા.
આ ઘટનાથી સમગ્ર પાટણ જિલ્લામાં બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરતા ઉઘાડ પગા ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ, સામાન્ય લોકોમાં પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો એસઓજી જેવી પોલીસ એજન્સી કાર્યવાહી ન કરે તો આરોગ્ય વિભાગ આવા બોગસ તત્વો સામે ક્યારે પગલાં લેશે?
ગામડાઓમાં ગરીબ અને અજાણ લોકો આવા ઉઘાડ પગા ડોક્ટરોની ઝાંસામાં આવી પોતાની જિંદગી જોખમમાં મૂકે છે. નાના તાવથી માંડી ગંભીર બીમારીઓ સુધી આવા બિનડિગ્રીધારી લોકો ઇન્જેક્શન આપી દેતા હોય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.
વારાહી ના કોરડા ગામની આ ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે પાટણ જિલ્લાભરમાં ફેલાયેલી બોગસ મેડિકલ પ્રેક્ટિસ સામે કડક અને સતત કાર્યવાહી કરવાની તાતી જરૂર છે. હવે જોવું રહ્યું કે આરોગ્ય વિભાગ આ મામલે ક્યારે જાગે છે અને ગામે ગામ ધમધમતી બોગસ હાટડીઓ સામે ક્યારે કડક કાર્યવાહી કરે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
