પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નવનિર્માણ શાળામાં ધોરણ 7ના એક વિદ્યાર્થીની આંગળીમાં લોખંડનો સળીયો આરપાર નીકળી જવાની ઘટના સામે આવી છે. ઘટનાને લઈને વિદ્યાર્થીના પિતાએ શાળાના શિક્ષકો સમયસર સારવાર માટે પગલાં ન લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે શાળા સંચાલન અને આચાર્યએ આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવતાં સ્પષ્ટતા કરી છે કે ઘટનામાં શાળાની કોઈ બેદરકારી નથી.

મળતી માહિતી મુજબ ગઇકાલે બપોરે અંદાજે 12 વાગ્યાની આસપાસ ઘનશ્યામ નામનો વિદ્યાર્થી શાળાના પરિસરમાં હતો ત્યારે વૃક્ષોની આસપાસ લગાવવામાં આવેલી જાળીના લોખંડના સળીયા તેની હાથની આંગળીમાં ઘૂસી ગયા હતા. સળીયો આંગળીની આરપાર નીકળી જતાં વિદ્યાર્થીને પીડા થઈ હતી.

ઘટના બાદ શાળાના સ્ટાફે તાત્કાલિક ધ્યાન આપી પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. શાળાના આચાર્યએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીનું ઘર શાળાની બાજુમાં જ હોવાથી તેના પરિવારજનોને તરત જ જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીના પિતા શાળાએ પહોંચ્યા હતા.

આચાર્યના જણાવ્યા અનુસાર શાળામાં જ સળીયાને કાપીને બાળકને રાહત મળે તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા અને બાળકને ધનુ ન ઉપડે તે માટે 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ આવી પહોંચતા વિદ્યાર્થીના પરિવારજનોએ બાળકને સારવાર માટે લઈ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેથી શાળા તરફથી બાળકને તેના પિતા સાથે એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીને બાદમાં રાધનપુર રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ શાળા પાસે ઉપલબ્ધ છે અને શાળા દ્વારા પરિસ્થિતિ મુજબ યોગ્ય અને સમયસર કાર્યવાહી કરવામાં આવી હતી. તેથી વિદ્યાર્થીના પિતાએ લગાવેલા આક્ષેપો પાયા વિહોણા છે અને શાળાની કોઈ બેદરકારી નથી.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!