મહિલા સશક્તિકરણ માટે સરકારની વિવિધ યોજનાઓ અને કાયદાકીય હકો અંગે માર્ગદર્શન

એવો સમાજ રચીએ જ્યાં કોઈ દીકરી ભયભીત ન હોય અને કોઈ મહિલા પરાવલંબી ન હોય : જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર

પાટણ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવી હતી. કન્વેશન હોલ, ઉ . ગુ. યુનિવર્સિટી ખાતે યોજાયેલા આ મહિલા સંમેલનમાં
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી મેઘાબેન ગોસ્વામીએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં મહિલાઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે. આજના સમયમાં મહિલાઓએ ખેતરથી લઈને અવકાશ સુધી દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા અને શક્તિનું પ્રદર્શન કર્યું છે.

તેમણે જણાવ્યું હતું કે “નારી તું નારાયણી” જેવી ઉક્તિ ત્યારે જ સાચા અર્થમાં સાર્થક બને છે જ્યારે દરેક મહિલા પોતાની અંદર રહેલી શક્તિ, આત્મવિશ્વાસ અને ક્ષમતાને ઓળખી સમાજના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવે. મહિલાઓના સશક્તિકરણ વિના સમાજનો સાચો વિકાસ શક્ય નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને આર્થિક સશક્તિકરણ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેના કારણે મહિલાઓ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહી છે. પાટણની પવિત્ર ધરતી પરથી તેમણે સૌને સંકલ્પ લેવા આહ્વાન કર્યું કે આપણે એવો સમાનતાભર્યો અને સશક્ત સમાજ રચીશું જ્યાં કોઈ દીકરી ભયભીત ન હોય, કોઈ મહિલા પરાવલંબી ન હોય અને દરેક સ્ત્રી ગર્વથી કહી શકે કે “હું આત્મનિર્ભર છું.”

કાર્યક્રમ દરમિયાન મહિલાઓને બાલિકા પંચાયત અંગે માહિતગાર કરવા માંડોત્રી બાલિકા પંચાયતની ઉપપ્રમુખ મેશ્વાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે બાલિકા પંચાયત અંતર્ગત કરવાની કામગીરી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જ્યારે ડૉ. અવનીબેન આલ દ્વારા મહિલાઓના કાયદાકીય હકો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા અમલમાં રહેલી વ્હાલી દીકરી યોજના, ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના, પાલક માતા-પિતા યોજના, મુખ્યમંત્રી બાલસેવા યોજના, લાભાર્થી દીકરી યોજના તેમજ શ્રી વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ લાભાર્થીઓને ચેક તથા હુકમનામાનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થી મહિલાઓએ વહીવટી તંત્ર અને સરકારનો આભાર માન્યો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટ, પાટણ નગરપાલિકા પ્રમુખશ્રી હિરલબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી. એલ. પટેલ, નાયબ જિલ્લા અધિકારી શ્રી આર. કે. મકવાણા, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, તાલુકા પંચાયતના મહિલા અધિકારીઓ તેમજ પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે દહેજ પ્રતિબંધક અધિકારી તથા સહ રક્ષક અધિકારી શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!