ભાવનગર શહેરના ભરચક ગણાતા ઘોઘા ગેટ પોલીસ ચોકી પાસે સિટી બસના ડ્રાઈવર અને રિક્ષાચાલક વચ્ચે વાહન હટાવવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મામલો એટલો બિચક્યો હતો કે, બંને પક્ષોએ જાહેરમાં જ એકબીજા પર હિંસક હુમલો કરી દીધો હતો. આ મારામારી અને પથ્થરમારાના દૃશ્યો બસમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે. વીડિયોમાં પથ્થરમારાની વચ્ચે મહિલાઓની ચીસાચીસ અને એક માસૂમ બાળકી સહેજમાં બચી ગઈ હોવાના દૃશ્યો સ્પષ્ટ જોઈ શકાય છે. પોલીસ ચોકી પાસે જ બસ પર ઈંટ-બ્લોકનો વરસાદ
મળતી માહિતી મુજબ, ઘોઘા ગેટ પાસે રોડની વચ્ચે આડી પાર્ક કરેલી રિક્ષાને હટાવવા બાબતે સિટી બસના ડ્રાઈવર કુલદીપસિંહે રિક્ષાચાલકને ટોક્યો હતો. આ વાત પર બંને વચ્ચે મામલો ગરમાયો હતો અને બસચાલકે નીચે ઉતરીને રિક્ષાચાલકને ફડાકો ઝીંકી દીધો હતો. સામે રિક્ષાચાલકે ઉશ્કેરાઈને બસ પર ઈંટ અને પેવિંગ બ્લોકના ઘા કરવાનું શરૂ કરી દીધું હતું. હુમલાને કારણે બસના કાચ ધડાધડ તૂટી પડ્યા હતા, જેને લીધે અંદર બેઠેલા મુસાફરોમાં ચીસાચીસ અને દોડધામ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના પોલીસ ચોકીથી માત્ર 30 ફૂટના અંતરે મુખ્ય રોડ પર બની હોવાથી લોકોમાં જાહેર સુરક્ષાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. રિક્ષાચાલકે છરી વડે બસ ડ્રાઈવર પર જીવલેણ હુમલો કર્યોઃ ડેપો મેનેજર
ડેપો મેનેજર પ્રવીણ આહીરે ઘટના અંગે જણાવ્યું કે, રૂપમ ચોક પાસે રિક્ષા આડી હોવાથી બસ ડ્રાઈવર કુલદીપસિંહે તેને સાઈડમાં લેવા કહ્યું હતું. આથી રિક્ષાવાળાઓએ ગેરવર્તન કરીને બસના કાચ તોડી નાખ્યા હતા. જ્યારે ડ્રાઈવરે નીચે ઉતરીને પૂછ્યું કે ‘આવું કેમ કર્યું?’, ત્યારે રિક્ષાચાલકે છરી કાઢીને જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઈવરે પોતાનો જીવ બચાવવા માટે વળતો પ્રહાર કર્યો હતો. હાલ ઇજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર આપવામાં આવી છે અને પોલીસ મથકે FIR નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કોર્પોરેશનના સપોર્ટથી હાલ તમામ બસો રૂટ પર નિયમિત કરી દેવામાં આવી છે. રિક્ષાચાલકનો વળતો આક્ષેપ, ‘બસ ડ્રાઈવરે પહેલા લાફો માર્યો’
બીજી તરફ, રિક્ષાચાલક ગફારે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું કે, હું પાર્કિંગમાં ગાડી ઊભી રાખીને છોકરાને ચા-બિસ્કીટ ખવરાવતો હતો. ત્યાં રસ્તા પર લીંબુની ગાડીઓ નડતી હોવાથી મેં તે ભાઈને ગાડી આઘી-પાછી કરવા કહ્યું હતું, જેથી મારી રિક્ષા નીકળી શકે. આ દરમિયાન સિટી બસના ડ્રાઈવરે આવીને મને સીધી ગાળો આપી હતી. મેં ગાળો બોલવાની ના પાડી તો તેમણે મને સીધો લાફો ઝીંકી દીધો હતો. CCTVમાં કેદ થઈ ભયાનકતા, બાળકીનો બચાવ
આ મારામારી અને પથ્થરમારાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. રસ્તા પર પથ્થરો ફેંકાતા હોવાથી બસમાં રહેલી મહિલાઓ પોતાના બાળકોને લઈને ચીસાચીસ કરતી ભાગતી જોવા મળી રહી છે. આ ધમાધમી વચ્ચે એક ભારે પથ્થર ત્યાં ઉભેલી એક નાની બાળકીની બિલકુલ નજીકથી પસાર થયો હતો, જેમાં બાળકીનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો. હાલ પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!