ચૂંટણી પરિણામો બાદ ફરી એકવાર EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)નો મુદ્દો ગરમાયો છે. જામનગરના વોર્ડ નંબર 15ના ઉમેદવાર અને વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર એવા બ્રિજેશભાઈ ફળદુએ ચૂંટણી તંત્ર સામે એક મોટો મોરચો ખોલ્યો છે, જેને પગલે રાજકીય આલમમાં ભારે ચર્ચા જાગી છે.

ટેકનોલોજીના નિષ્ણાત એવા ઉમેદવાર બ્રિજેશભાઈ ફળદુએ સીધા ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરીને એક પત્ર સોંપ્યો છે. આ પત્રમાં તેમણે માગ કરી છે કે, તેઓ પોતે સોફ્ટવેર એન્જિનિયર હોવાના નાતે તેમને EVMનું હાર્ડવેર અને સોફ્ટવેર બારીકાઈથી તપાસવા માટે પૂરતો સમય આપવામાં આવે. ટેકનિકલ ખામીઓ કે ગેરરીતિઓની આશંકા વચ્ચે એક એન્જિનિયર ઉમેદવાર દ્વારા આ પ્રકારની માગણી કરાતાં વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. લેખિત રજૂઆતમાં માત્ર તપાસની માગણી જ નહીં, પરંતુ પુરાવાઓ સુરક્ષિત રાખવા માટે પણ કડક સૂચના આપવામાં આવી છે. બ્રિજેશભાઈએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે, ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા EVMનો તમામ ડેટા અને સ્ટ્રોંગ રૂમ તેમજ મતદાન મથકોના CCTV ફૂટેજનો ડેટા કોઈપણ સંજોગોમાં ડિલીટ કે નાશ કરવામાં ન આવે. ચૂંટણી પૂરી થયા બાદ સામાન્ય રીતે રાજકીય પક્ષો મૌખિક આરોપો લગાવતા હોય છે, પરંતુ જામનગરમાં એક શિક્ષિત અને ટેકનિકલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારે કાયદાકીય અને લેખિત લડાઈના મંડાણ કરતાં આગામી દિવસોમાં આ મામલો વધુ ઉગ્ર બને તેવા પૂરેપૂરા સંકેતો દેખાઈ રહ્યા છે.

The Gujarat Live News રિપોર્ટર.પ્રવીણભાઈ કાંકરેજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!