રાપર.કચ્છ
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના દેશલપર ગામમાં ગેરકાયદેસર ખનન મામલે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.



દેશલપર ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે કે ગામના પાબુદાદા, ડુંગરાળ તથા જંગલ ખાતાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ખનીજ માફિયાઓ બેફામ બની ગેરકાયદેસર ખોદકામ ચલાવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ JCB, હિટાચી, ટ્રેક્ટર અને ડમ્પર જેવા ભારે વાહનો વડે કાળા પથ્થરો અને ચાઈના ક્લે માટીનું મોટા પાયે ખનન થઈ રહ્યું છે. ગૌચર અને સરકારી જમીનો પર પણ દબાણ કરીને રાત્રિના સમયે ખોદકામ કરવામાં આવતું હોવાના આક્ષેપો થયા છે.
ખોદકામના કારણે વિસ્તારમાં અંદાજે 50 ફૂટ જેટલા ઊંડા જોખમી ખાડાઓ પડી ગયા છે, જેના કારણે પશુઓ અને ગ્રામજનો માટે અકસ્માતનો ખતરો ઉભો થયો છે. સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
દેશલપર ગ્રામ પંચાયતના જણાવ્યા અનુસાર, ખોદકામ બાદ સ્થળ પર જ પથ્થર અને કાંકરીનો ભેળિયો ઉભો કરી મેટલ તૈયાર કરીને સપ્લાય પણ કરવામાં આવી રહ્યો છે. આ મામલે એક મહિના અગાઉ જ કચ્છ કલેક્ટર કચેરી, ખાણ-ખનીજ વિભાગ, મામલતદાર તથા પોલીસ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. છતાં અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં તંત્ર સામે ભારે અસંતોષ ફેલાયો છે.
દેશલપર ગ્રામ પંચાયતે ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક સ્થળ તપાસ કરીને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે શું ખનીજ માફિયાઓને કોઈનો આશીર્વાદ પ્રાપ્ત છે? અને શા માટે જવાબદાર તંત્ર હજુ સુધી નિષ્ક્રિય છે?
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
